ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ ઓક્ટોબર-નવેમ્બર એમ બે મહિનામાં કાર્ડિયાક ઈમરજન્સીમાં 13 ટકા જ્યારે અમદાવાદમાં 12 ટકા જેટલો વધારો થયો છે. ગુજરાતમાં અત્યારે હૃદય રોગ સંબંધિત ઈમરજન્સીના રોજના 245 જેટલા કોલ્સ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળી રહ્યા છે, જે ગત વર્ષે આ સમય ગાળામાં રોજના 217 કોલ્સ આવતાં હતા.
ગુજરાતમાં હૃદય રોગની બીમારી અને તેમાં મોતનું પ્રમાણ સતત વધી રહ્યું છે, કોરોના પછી હૃદય રોગ ઉપરાંત અન્ય તમામ પ્રકારની બીમારી લોકોના આરોગ્યને અસર કરી રહી છે. સૌથી વધુ 38 ટકા જેટલી ઈમરજન્સી શ્વાસને લગતી બીમારીમાં વધી છે, ગુજરાતમાં બે મહિનામાં જ શ્વાસને લગતી બીમારીના 23,140 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હૃદય રોગ સંબંધિત કેસ ઓક્ટોબર 2023માં 6,763 અને નવેમ્બરમાં 6,254 હતા, એ પછી 2024માં ઓક્ટોબરમાં 7,722 અને નવેમ્બરમાં 6,979 કોલ્સ આવ્યા હતા. એકંદરે આ બે મહિનાના અરસામાં 2023માં 13,017 જ્યારે 2024માં 14,701 કોલ્સ હતા, જેમાં દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડયા હતા. અમદાવાદમાં છેલ્લા બે માસમાં 4,155 કેસ છે, જે ગત વર્ષે બે માસમાં 3,705 કેસ હતા. તબીબોના મતે 30થી 40 વર્ષના યુવાનોમાં હાર્ટ એટેકના કેસ 20થી 25 ટકા આસપાસ વધ્યા છે. આલ્કોહોલનું સેવન, અનિયમિત જીવનશૈલી, અપૂરતી ઊંઘ, તણાવ, સ્મોકિંગ વગેરે જેવા કારણ પણ આ બીમારી માટે જવાબદાર છે. કોરોનાથી સાજા થયેલા લોકોના હૃદયને પણ અસર થઈ હોવાની બાબત સામે આવી છે. હૃદયની બીમારી હોય તેમણે તબીબી સલાહ લઈને કસરત કરવી જોઈએ. સાત કલાકથી ઓછી ઊંઘ હોય તેમને પણ આ બીમારીની શક્યતા રહેતી હોય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરી વિસ્તારોમાં હૃદય રોગની ઈમરજન્સી વધુ નોંધાઈ રહી છે જ્યારે સૌથી ઓછી ડાંગ જિલ્લામાં સામે આવી હતી.