રોહિત શર્માના ખરાબ પફોર્મ બાદ હવે તેની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટરે રોહિતને ટેસ્ટ ક્રિકેટ માટે શારીરિક રીતે ફિટ ન હોવાનું જણાવ્યું હતું.
India vs Australia 3rd Test: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું ખરાબ પફોર્મ હવે ચિંતાનો વિષય બની રહ્યું છે. તેના ખરાબ પ્રદર્શનની અસર તેની કેપ્ટનશિપ પર પણ દેખાઈ રહી છે. રોહિત પર્થ ટેસ્ટ રમી શક્યો નહોતો, પરંતુ એડિલેડ ટેસ્ટમાં રોહિતની વાપસી થઈ હતી અને આ મેચમાં કેપ્ટન ઓપનિંગને બદલે 6 નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. રોહિતનો ફ્લોપ શો પણ નંબર-6 પર જોવા મળ્યો હતો. હવે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડેરિલ કુલીનને રોહિતની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા છે.
‘રોહિતને જુઓ…’
ઇનસાઇડસ્પોર્ટ સાથે વાત કરતા, રોહિતની ફિટનેસ અંગે, ડેરિલ કુલીનને કહ્યું, “રોહિત શર્મા અને વિરાટ કોહલીની શારીરિક સ્થિતિમાં તફાવત જુઓ. રોહિતનું વજન વધારે હોવાને કારણે તે લાંબો સમય ક્રિકેટ રમી શકે તેવો ક્રિકેટર નથી. ચારથી પાંચ દિવસની મેચ રમવા માટે રોહિતની શારીરિક સ્થિતિ સારી નથી. આ પહેલીવાર નથી જ્યારે રોહિતની ફિટનેસ પર સવાલો ઉઠ્યા હોય, આ પહેલા પણ ઘણી વખત જોવા મળી ચૂક્યું છે.
ઓસ્ટ્રેલિયા પહેલા રોહિત શર્માનું ખરાબ પ્રદર્શન ન્યૂઝીલેન્ડ સાથે રમાયેલી ત્રણ મેચની હોમ ટેસ્ટ સિરીઝમાં પણ જોવા મળ્યું હતું. આ શ્રેણીમાં પણ તેણે એક અડધી સદી ફટકારી હતી. છેલ્લી 12 ઇનિંગ્સની વાત કરીએ તો કેપ્ટન 8 ઇનિંગ્સમાં ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નથી. રોહિતનું ફોર્મ એટલું બગડી ગયું છે કે 6 વર્ષ પછી તે ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ટોપ-30માંથી બહાર થઈ ગયો છે.
ત્રીજી ટેસ્ટમાં કેમ ઓપનિંગ કરશે?
પર્થ ટેસ્ટમાં, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળ્યા હતા, કારણ કે આ મેચમાં રોહિત શર્મા ટીમનો ભાગ ન હતો અને તેના સ્થાને જસપ્રિત બુમરાહે કેપ્ટનશીપ કરી હતી. જો કે, રોહિત એડિલેડ ટેસ્ટમાં પાછો ફર્યો અને કેએલ રાહુલ માટે તેની નિયમિત બેટિંગની સ્થિતિ છોડી દીધી. હવે જોવાનું એ રહે છે કે શું રોહિત ગાબા ટેસ્ટમાં ફરીથી ઓપનિંગમાં બેટિંગ કરશે?