ઓક્ટોબર મહિના પછી નવેમ્બર મહિનામાં પણ નિફ્ટીમાં સતત બીજા મહિને માસિક ધોરણે ઘટાડો નોંધાયો છે. આવો ઘટનાક્રમ માર્ચ, 2023 પછી પહેલી વાર બન્યો છે. નવેમ્બરમાં નિફ્ટીમાં જે ઘટાડો જોવા મળ્યો તેના માટે અદાણી જૂથના શેરોમાં આવેલો ઘટાડો અને કંપનીજગતના નબળા પરિણામ જવાબદાર છે.
રસપ્રદ બાબત એ છે કે માર્ચ, 2023માં સતત બે મહિના નિફ્ટી તૂટયો ત્યારે પણ જાન્યુઆરી 23, 2023ના રોજ હિંડનબર્ગે અદાણી જૂથ પર આરોપો લગાવતો એક રિપોર્ટ જાહેર કર્યો હતો અને તેના કારણે અદાણી જૂથના શેરોના એમ કેપમાં સળંગ પાંચ સપ્તાહમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નવેમ્બરમાં નિફ્ટી માસિક ધોરણે 0.31 ટકા ઘટીને 24,131 પર સેટલ થયો છે, જ્યારે સેન્સેક્સ 0.45 ટકા વધીને 79,802ની સપાટીએ બંધ રહ્યો છે. અગાઉ ઓકટોબર મહિનામાં નિફ્ટી 6.22 ટકા અને સેન્સેક્સ 5.83 ટકા ઘટયા હતા. માસિક ધોરણે આ ઘટાડો કોવિડની મહામારીને પગલે માર્ચ, 2020માં જે કડાકો બોલ્યો તે પછીનો સૌથી મોટો ઘટાડો હતો. નવેમ્બરમાં નિફ્ટી 50ના ઘટક એવા અદાણી જૂથના બે સ્ટોક્સ અદાણી એન્ટરપ્રાઇસિસ અને અદાણી પોર્ટ્સ અનુક્રમે 16.4 ટકા અને 13.5 ટકા ઘટીને બંધ રહ્યા છે. આમ છતાં મહિનાના બે સપ્તાહમાં બજારમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી. નિષ્ણાતોના મતે ડિસેમ્બરમાં આ રિકવરી જળવાઇ રહેશે કે કેમ તે કહેવું અઘરું છે, કારણ કે સ્થાનિક મેક્રો પરિબળો અને જીઓ-પોલિટકલ ટેન્શન બજારની દિશા નક્કી કરવાના છે. એમાંય ખાસ કરીને શુક્રવારે બજાર બંધ થયું તે પછી ભારતના જીડીપીના વૃદ્ધિદરના આંકડા જાહેર થયા તે મુજબ આ વૃદ્ધિદર 5.4 ટકાના 21 મહિનાના તળિયે પહોંચ્યો છે, જે બાબત માર્કેટમાં મંદીને બળ પુરુ પાડી શકે છે. હવે જો આર્થિક વૃદ્ધિદરને ઉત્તેજન આપવા આરબીઆઇ દ્રારા તેની ડિસેમ્બરની એમપીસી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેને કારણે બજારમાં તેજીનો પવન ફુંકાય એવી શક્યતા નિવારી શકાતી નથી.
જાન્યુઆરી, 2023માં હિંડનબર્ગનો રિપોર્ટ જાહેર થયો તે પછી અદાણી જૂથનું એમ કેપ પાંચ સપ્તાહમાં 50 ટકા ઘટતા સતત બે મહિના નિફ્ટી ઘટયો હતો, જ્યારે ઓક્ટોબર, 2024માં 6 ટકાના ઘટાડા પછી નવેમ્બરમાં નિફ્ટીના બે ઘટક શેરો અદાણી એન્ટરપ્રાઇસિસમાં 16.4 ટકાનો અને અદાણી પોર્ટ્સમાં 13.5 ટકા ઘટતા નિફ્ટી નબળો પડયો છે, જ્યારે સેન્સેક્સ વધ્યો છે