રજિસ્ટર્ડ સેલડીડ થયા પછી રેવન્યૂ ઓથોરીટીએ જેના નામનો દસ્તાવેજ હોય તેના નામની એન્ટ્રી પાડવી જ પડે એમ ગુજરાત હાઇકોર્ટના CJ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક મહત્ત્વના ચુકાદા મારફ્તે ઠરાવ્યું છે. રજિસ્ટર્ડ સેલડીડના આધારે પાડવામાં આવેલી એન્ટ્રી રદ કરવાનો રેવન્યૂ ઓથોરીટીને કોઇ અધિકારક્ષેત્ર નથી.
ખંડપીઠે આ અંગેના સીંગલ જજના હુકમને પડકારતી લેટર્સ પેટન્ટ અપીલ ફ્ગાવી દીધી હતી અને સીંગલ જજના હુકમને બહાલ રાખ્યો હતો. પાટણ જિલ્લાના જંગરાલ ગામે આવેલ જાણીતા શ્રી પાળેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટની ખેતીની જમીન આવેલી હતી. તે જમીન મહાદેવના જિર્ણોધ્ધાર માટે વેચવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જો કે, ટ્રસ્ટની જમીન હોવાથી ચેરિટી કમિશનરની કલમ-36 હેઠળ મંજૂરી લીધા બાદ જ વેચી શકાય. આ માટે ટ્રસ્ટ દ્વારા મહેસાણાના જોઇન્ટ ચેરિટી કમિશનર સમક્ષ ઉપરોકત જમીન વેચવા માટેની જરૂરી મંજૂરી માંગી હતી. જેમાં નિયમ મુજબ, અખબારમાં જાહેરાત પણ આપવી પડે. જેની પૂર્તતા કર્યા બાદ જોઇન્ટ ચેરિટી કમિશનરે સૌથી ઊંચી કિંમત આપનાર મનુભાઇ બારોટને કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જમીન આપી હતી.જો કે, આ નિર્ણય સામે વાંધો ઉઠાવી નીરૂબેન પી.બારોટ નામના પક્ષકાર તરફ્થી વાંધા અરજી આપી જણાવાયું હતું કે, આ મિલ્કત અમારા બાપદાદાના વખતની છે અને તેથી આ જમીન ફળવી ના શકાય. જો કે, જોઇન્ટ ચેરિટી કમિશનરે મનુભાઇ સી.બારોટને સોથી ઉંચી બોલી બોલી હોવાથી જમીન તેમને વેચાણ આપવાનો હુકમ કર્યો હતો.