ગુજરાતમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયગાળામાં અમરેલી, માંડલ, રાધનપુર અને રાજકોટ એમ ચાર વખત અંધાપાકાંડની ઘટનાઓ સામે આવી હતી, આ ચાર અંધાપાકાંડમાં 11 દર્દીઓને એક આંખે કાયમી અંધાપો આવ્યો છે જ્યારે અન્ય 50 દર્દીની આંખોને નુકસાન થયું હતું. સરકારી તપાસમાં અંધાપાકાંડમાં મોટા ભાગના કિસ્સા ઈન્ફેક્શનના કારણે બન્યા હોવાનું સામે આવ્યું છે.
ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ બાદ સરકારનો આરોગ્ય વિભાગ થોડોક એલર્ટ મોડમાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી કોઈ દર્દીને આંખની રોશની ગુમાવવી ના પડે તે માટે સરકારે એસઓપી તૈયાર કરવાનું નક્કી કર્યું છે, આ માટેની કામગીરી ચાલી રહી હોવાનું સૂત્રો કહે છે. સરકારી તપાસ રિપોર્ટમાં હોસ્પિટલમાં જે ખામીઓ નજરે પડી છે તેને દૂર કરવા માટે પ્રયાસ કરાશે.અમદાવાદમાં કાર્તિક પટેલની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં મોતનો વેપલો સામે આવ્યો છે, એ પછી સરકારે હૃદય રોગ, કિમોથેરાપી, રેડિયોલોજી વગેરેની સારવાર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી બનાવાઈ રહી છે. આ સાથે જ અંધાપાકાંડ જેવી ઘટના રોકવા માટે પણ માર્ગદર્શિકા આવશે, જેમાં તબીબોને પણ હાલાકીનો સામનો ના કરવો પડે તેની પણ તકેદારી રખાશે.
રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરી ચેકલિસ્ટની ગાઈડલાઈન બનશે
અંધાપાકાંડની ઘટનાઓ બાદ રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓનું રાજ્ય સરકારે મોનિટરિંગ કર્યું છે. સાથે જ મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરી ચેક લિસ્ટ માટેની ગાઈડલાઈન બનાવવા આદેશ કરાયા હતા.