અમદાવાદમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ઠગાઈ આચરવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં કરોડો રૂપિયાની ઠગાઈ ભેજાબાજોએ આચરી છે અને નિર્દોષ લોકોના પૈસા થઈ ફરાર થઈ ગયા છે. અમદાવાદમાં ફર્નિચરના વેપારી સાથે ઠગાઈની ઘટના બની છે. પતિ અને પત્નીએ ઠગાઈ આચરી છે.
મોર્ગેજ જમીન વેચીને આચરી 89 લાખ રૂપિયાની ઠગાઈ
ત્યારે ઠગાઈની ઘટનાને લઈને મનીષ શ્રીમાળી અને જયશ્રી શ્રીમાળી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો વિજાપુરની રણાસરની જમીન વેચવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે. મોર્ગેજ જમીન હોવા છતાં તેને 4 કરોડ રૂપિયામાં જમીન વેચી અને આ જમીન વેચીને રૂપિયા 89 લાખ ના આપીને ઠગાઈ આચરી છે. ત્યારે આ ઠગાઈની ઘટનાને લઈને મુકેશ ભોજવાણી નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે EOWએ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં 1.33 કરોડથી વધુની ઠગાઈની ફરિયાદ
બીજી તરફ એક વેપારીએ અન્ય વેપારીને ચૂનો ચોપડ્યો છે. જેને લઈને અમદાવાદમાં 1.33 કરોડથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. કાપડનો માલ ખરીદી પૈસા ન ચૂકવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુંબઈના યુવલ ટેક્સટાઈલ નામની પેઢીના માલિક સામે ફરિયાદ નોંધાઈ છે. તે મુજબ રૂપિયા 21.09 કરોડનો માલ ખરીદી અને તેની સામે રૂપિયા 19.75 કરોડ ચૂકવ્યા હતા અને અન્ય પૈસા ના ચૂકવીને ઠગાઈ આચરી છે. ત્યારે લલિત પરિહાર નામના વેપારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પણ EOWએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મણિનગરમાં મકાન-દુકાન વેચવાના નામે ઠગાઈ
ત્યારે અમદાવાદમાં ઠગાઈનો ત્રીજો બનાવ મણિનગર વિસ્તારમાં બન્યો છે, જ્યાં જમીન લે વેચ કરતા વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી છે. મણિનગરમાં મકાન-દુકાન વેચવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે. દલાલ સાથે મળીને પતિ પત્નીએ આ ઠગાઈ આચરી છે. રૂપિયા 92.96 લાખ લઈને દસ્તાવેજ કરી આપ્યો નહતો. જેને લઈને હિતેષ પટેલ નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. લલીત ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજુ રાજપુત સામે ફરિયાદ નોંધાઈ છે.