Singapore Passport : સિંગાપોર એટલે એશિયાના સર્વાધિક આધુનિક અને અમીર દેશો પૈકીઓ એક. નાગરિક-વ્યવસ્થા માટે સુખ્યાત એવા સિંગાપોરે નાગરિકોની સુવિધા માટે તાજેતરમાં એક નવો નિયમ બહાર પાડ્યો છે, જેને લીધે હવાઈ માર્ગે સિંગાપોરની યાત્રા વધુ સરળ અને ઝડપી બની છે.
પાસપોર્ટ વિના સિંગાપોર પ્રવેશ
સિંગાપોરનું ચાંગી એરપોર્ટ એની ખૂબસૂરતી માટે જાણીતું છે. આ એરપોર્ટ વિશ્વના ટોપ ટેન સૌથી સુંદર એરપોર્ટના લિસ્ટમાં ઘણા વર્ષોથી ગર્વિષ્ઠ સ્થાન ભોગવતું આવ્યું છે. તાજેતરમાં, આ એરપોર્ટનો ઉપયોગ કરતાં મુસાફરો માટે ‘ટોકન-લેસ ક્લિયરન્સ’ નામની સુવિધા ઉમેરવામાં આવી છે, જે મુજબ મુસાફરો સિંગાપોરમાં પાસપોર્ટ વિના પ્રવેશ કરી શકે છે.
બધાને મળશે આ સુવિધા?
જોકે, ઉપરોક્ત સુવિધા બધા માટે નથી. સિંગાપોરના નાગરિકો, ત્યાંના કાયમી રહેવાસીઓ અને લાંબા ગાળાના પાસ ધારકોને જ આ સુવિધાનો લાભ મળશે. લાંબા ગાળાના પાસ ધારકો (લોંગ ટર્મ વિઝિટ પાસ – LTVP) એટલે એવી વ્યક્તિ છે કે જેની પાસે સિંગાપોરમાં રહેવા અથવા કામ કરવા માટેના LTVP હોય. મહિને ઓછામાં ઓછા 5,000 ડોલર કમાતા હોય એવા માણસોને LTVP આપવામાં આવે છે. LTVP ધરાવતી વ્યક્તિ પોતાના પરિવારના સભ્યોને સિંગાપોર બોલાવી શકે છે.
આવી શરતોને આધિન મળશે આ સુવિધા
ઉપરોક્ત લાયકાત ધરાવનારે સિંગાપોર આવવા-જવા માટે પાસપોર્ટ દેખાડવો નહીં પડે, પણ એમણે આંખ અને ચહેરાની ઓળખ તો કરાવવી જ પડશે. આ બાયોમેટ્રિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેઓ ઇમિગ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂરી કરી શકશે.
વિદેશીઓ માટે શું?
વિદેશના પ્રવાસીઓએ સિંગાપોરમાં પ્રવેશ કરતી વખતે પાસપોર્ટ રજૂ કરવો પડશે. એ જ સમયે તેમણે આંખ, ચહેરા અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક નોંધણી કરાવવી પડશે. જોકે, સિંગાપોરથી બહાર જતી વખતે વિદેશી નાગરિકો પણ પાસપોર્ટ-મુક્ત સુવિધાનો લાભ લઈ શકશે. સિંગાપોર છોડતી વખતે તેમણે ફક્ત આંખ, ચહેરા અને ફિંગરપ્રિન્ટની બાયોમેટ્રિક કરાવવી પડશે. છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાયોમેટ્રિક ક્લિયરન્સનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.
શું ફાયદા છે આ સુવિધાના?
સિંગાપોર એરપોર્ટના ઉચ્ચાધિકારીના કહેવા મુજબ શરૂ થયાના 15 દિવસમાં 15 લાખ પ્રવાસીઓ આ સુવિધાનો લાભ ઉઠાવી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં આ સિસ્ટમ અસરકારક સાબિત થઈ છે. એના ફાયદા નીચે મુજબ છે.
• પ્રવાસીઓની મુસાફરી ઝડપી બનશે, કેમ કે ક્લિયરન્સ દરમિયાન ફિઝિકલ પાસપોર્ટ જોવાની ઝંઝટ નહીં રહે.
• ક્લિયરન્સ ઝડપી થતાં મુસાફરોએ થકવી નાંખતી લાંબી-લાંબી લાઇનોમાં ઊભા રહેવું નહીં પડે.
• ક્લિયરન્સ પ્રક્રિયામાં વધુ કર્મચારીઓની જરૂર નહીં પડતા, એવા કર્મચારીઓને એરપોર્ટ પરની અન્ય સુવિધાઓમાં કામે લગાડી શકાશે, જેને લીધે મુસાફરોને મળતી સુવિધાઓમાં વધારો થશે.
પંદર દિવસ અગાઉ શરૂ કરાયેલી આ સુવિધા હાલ પ્રાયોગિક ધોરણે ચાંગી એરપોર્ટના ‘ટર્મિનલ 3’ પર ઉપલબ્ધ કરાવાઈ છે. ડિસેમ્બર, 2024 સુધીમાં આ સુવિધા બાકીના તમામ ટર્મિનલ્સ પર પણ લાગુ કરી દેવાશે.