મોટી રાયણમાં ટેમ્પાની ટકકરથી સાયકલ ચાલકનો જીવ ગયો
ભુજ: માંડવી તાલુકાના ગઢશીશા અને મોટી રાયણમાં અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં યુવાન અને વયસ્કના અકાળે મોત નીપજ્યા હતા. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો.
ગઢશીશા પોલીસ મથકે મુળ ઉતરપ્રદેશના અને ગઢશીશા ગામે રહેતા રામસિંહ ઓમકારસિંહ ચૌહાણે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેનો ભાઇ ગુલ્લુસિંહ ઓમકારસિંહ ચૌહાણ (ઉ.વ.૨૦) પોતાના કબ્જાની મોટર સાયકલથી સોમવારે સાંજે સાડા છ વાગ્યે ગઢશીશાથી શેરડી ગામ તરફ જતો હતો. ત્યારે અચાનક બાઇક સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ મોટી રાયણ ગામે રહેતા ઉમરભાઇ જુણેજા નામના માલધારી સાયકલ પર મંગળવારે સવારે સાયકલ પર દુધ ભરાવવા ડેરી અને હોટલે ગયા હતા. ત્યારે ગામ નજીક સાર્વજનિક દવાખાના પાસે સામેથી આવતા સુપર કેરી લોડીંગ ટેમ્પોના ચાલકે ઉમરભાઇને સામેથી ટકકર મારતાં નીચે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જયા બાદ ટેમ્પો લઇ ચાલક નાસી ગયો હતો. ઘાયલને હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં સારવાર પહેલા મોત નીપજ્યું હતું. કોડાય પોલીસે ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.