ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને આપવામાં આવેલી સજાએ ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જવાનો રસ્તો થોડો સરળ બનાવી દીધો છે. ICCએ સ્લો ઓવર રેટને કારણે બંને ટીમોમાંથી ત્રણ WTC પોઈન્ટ કપાત કર્યા છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી મળેલી સજાને કારણે ન્યુઝીલેન્ડને ખાસ કરીને ભારે નુકસાન થયું છે. કિવી ટીમે હવે ઈંગ્લેન્ડ સામેની તેની બાકીની બંને ટેસ્ટ મેચ જીતવી પડશે. આ સાથે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. ICCનો આ નિર્ણય રોહિત એન્ડ કંપની માટે મોટા સમાચાર લઈને આવ્યો છે.
ટીમ ઈન્ડિયાનો રસ્તો બન્યો સરળ
આઈસીસીએ ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનું સરળ બનાવી દીધું છે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પર લગાવવામાં આવેલ પેનલ્ટીથી ભારતીય ટીમને ઘણો ફાયદો થયો છે. ન્યુઝીલેન્ડ હવે WTC પોઈન્ટ ટેબલમાં ચોથાથી પાંચમા સ્થાને આવી ગયું છે. આ સાથે જ કીવી ટીમને હવે ટાઈટલ મેચ રમવા માટે નસીબના સાથની જરૂર પડશે.
બીજી તરફ ભારતીય ટીમે હવે બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે વધુ બે ટેસ્ટ મેચ જીતવી પડશે. જો રોહિત અને કંપની આગામી ચારમાંથી બે ટેસ્ટ મેચ જીતવામાં સફળ થાય છે, તો ટીમને ફાઈનલમાં સીધી ટિકિટ મળશે. એટલે કે 4-0ની જગ્યાએ હવે ટીમ ઈન્ડિયાનું કામ 3-0થી પણ થઈ શકે છે. ભારતીય ટીમે સિરીઝની આગામી મેચ એડિલેડમાં રમવાની છે.
ન્યુઝીલેન્ડનો રસ્તો મુશ્કેલ
ICC દ્વારા આપવામાં આવેલી સજાને કારણે ન્યુઝીલેન્ડને સૌથી મોટું નુકસાન થયું છે. કિવી ટીમને ઘરઆંગણે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડને બાકીની બંને ટેસ્ટ મેચ મોટા અંતરથી જીતવી પડશે. પરંતુ આ બે ટેસ્ટ મેચ જીત્યા પછી પણ ન્યુઝીલેન્ડે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. ત્રણ પોઈન્ટ ઓછા થતાં ઈંગ્લેન્ડ WTC ફાઈનલની રેસમાંથી લગભગ સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે.