બિહારના રાજગીરમાં આયોજિત એશિયન મહિલા હોકી ચેમ્પિયનશિપ મેચમાં ભારતે ફરી એકવાર ચીનને 1-0થી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ચીન પર ભારતનો આ રોમાંચક વિજય હતો.
પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં 30 મિનિટની રમતમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. આ પછી દીપિકાએ ત્રીજા ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ ચીનના ખેલાડીઓ કોઈ ગોલ કરી શક્યા ન હતા.
ભારત અને ચીન વચ્ચેની ફાઈનલ મેચ બુધવારે સાંજે 4.45 કલાકે રાજગીરના હોકી મેદાનમાં શરૂ થઈ હતી. જેમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ મુખ્ય મહેમાન તરીકે ભાગ લીધો હતો. આ સિવાય બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી હાજર રહ્યા હતા. ફાઈનલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રદર્શન જોવા માટે સ્ટેડિયમ હજારો દર્શકોથી ભરાઈ ગયું હતું અને લોકોએ દરેક જગ્યાએ ત્રિરંગા ઝંડા લહેરાવીને ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ એશિયન મહિલા હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી 1-0થી કબજે કરી હતી.
ખેલ મંત્રીની મોટી જાહેરાત
ભારત સરકારના શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2025 બિહારમાં યોજાશે. તેમને આ અદ્ભુત મેદાન અને કાર્યક્રમ માટે મુખ્યમંત્રી નીતિશ કુમારનો આભાર માન્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સલીમા ટેટેએ મેચ બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેની ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય કેપ્ટને રાજગીર ગ્રાઉન્ડ વિશે કહ્યું કે આ મેદાન પર રમવું ખૂબ જ સરસ હતું અને અહીં દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. જ્યારે સમગ્ર ટૂર્નામેન્ટમાં ઓવરઓલ પ્લેયરનો ખિતાબ જીતનાર દીપિકાએ કહ્યું કે અમારી ટીમે ખૂબ જ મહેનત કરી હતી અને અમે અમારી વ્યૂહરચનાથી મેચ જીતવામાં સફળ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતે ત્રીજી વખત આ ટ્રોફી કબજે કરી છે.