મેટાએ વોટ્સએપ પર ફ્રોડ એક્ટિવિટી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ એક મહિનામાં 84 લાખથી વધુ એકાઉન્ટ બ્લોક કર્યા છે. યુઝર્સની ફરિયાદ બાદ આમાંથી કેટલાક એકાઉન્ટને હટાવી દેવામાં આવ્યા હતા.
84 લાખ એકાઉન્ટ્સ કર્યા બ્લોક
ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. વોટ્સએપની માલિકીની કંપની મેટાએ કહ્યું છે કે તેણે એક મહિનામાં 84 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ તેના લેટેસ્ટ ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં જણાવ્યું છે કે 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટની વચ્ચે તેણે ભારતમાં 84.5 લાખ વોટ્સએપ પ્રોફાઇલ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
10 લાખથી વધુ એકાઉન્ટ તાત્કાલિક ડિલીટ કરાયા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિયમોના ગંભીર ઉલ્લંઘનને કારણે કંપનીએ તરત જ 16.6 લાખ એકાઉન્ટ હટાવી દીધા હતા. જ્યારે બાકીનાને તપાસ બાદ હટાવી દેવામાં આવ્યા છે. આ સિવાય લગભગ 16 લાખ એકાઉન્ટ એવા હતા જેને કંપનીએ કોઈ પણ ફરિયાદ મળ્યા પહેલા જ ઓળખી કાઢ્યા હતા અને કાઢી નાખ્યા હતા. કંપનીએ કહ્યું કે તેને ઓગસ્ટ 2024માં 10,707 વપરાશકર્તાઓ તરફથી ફરિયાદો મળી હતી અને તેમાંથી 93 ટકા પર તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
આ કારણોસર મેટા હટાવે છે એકાઉન્ટ
મેટા ઘણા કારણોસર યૂઝર્સના એકાઉન્ટને ડિલીટ કરે છે. જો કોઈ યૂઝર જથ્થાબંધ મેસેજિંગ, સ્પેમ, છેતરપિંડી અથવા ભ્રામક માહિતી ફેલાવતો જોવા મળે છે, તો તેને નિયમોના ઉલ્લંઘનને કારણે તેને બ્લોક કરવામાં આવે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ પ્રવૃત્તિ કરતી જોવા મળે છે, તો તે એકાઉન્ટ પણ તરત જ હટાવી દેવામાં આવે છે.આ સાથે, યુઝર્સની ફરિયાદો મળ્યા બાદ કંપની એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરે છે. યૂઝર્સની ફરિયાદોને કારણે, કંપનીને નુકસાન પહોંચાડતા એકાઉન્ટ્સને ઓળખવાનું સરળ બને છે.
ભારતમાં WhatsAppનો સૌથી મોટો યુઝરબેઝ છે
ભારત વિશ્વભરમાં WhatsApp માટે સૌથી મોટું બજાર છે. અહીં કંપનીના સૌથી વધુ 53.5 કરોડ યુઝર્સ છે. ગ્લોબલ યુઝર્સ કરતાં ભારતીય યુઝર્સ WhatsApp પર વધુ સમય વિતાવે છે. ભારત પછી કંપનીના બ્રાઝિલ અને અમેરિકામાં સૌથી વધુ યુઝર્સ છે.