વિરમગામમાં ગોવાળવાસમાં રહેતા જયદીપ ચતુરભાઈ ઠાકોર નામના યુવાનના મામાના સગીર વયના દીકરાને શહેરમાં ચાલતા મેળામાં સામે જોવા જેવી સામાન્ય બાબતમાં ગત મંગળવારની રાત્રે જુબલ ઠાકોર સાથે ઝઘડો થયો હતો.
જેના સમાધાન માટે બુધવારે જયદીપને તેના બનેવી પૃથ્વીભાઈ ધનજીભાઈ તથા સંજય કાળુભાઇ ઠાકોરે ઘરે આવીને કહેતા ત્રણેય જણા અંબિકા સોડાની દુકાન પાસે ગયા હતા. જ્યાં જુબલ ઠાકોર તેના બે સગીર વય ધરાવતા બે મિત્રો સાથે ઊભો હતો. સમાધાનની વાતચીત થઈ હતી. એવામાં જુબલે છરી કાઢીને જયદીપ ઉપર હુમલો કર્યો હતો. આ સમયે જયદીપને જુબલ ના બંને મિત્રોએ પકડી રાખતા છરી જમણા ભાગે પેટમાં તેમજ બે ઘા બાવળા પર વાગતા ઈજા થઈ હતી. હુમલો કરીને જુબલ તેના બંને મિત્રો ત્યાંથી જતા રહ્યા હતા. તેમજ ઈજાગ્રસ્ત જયદીપને સારવાર માટે ગાંધી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે વિરમગામની ખાનગી હોસ્પિટલ બાદમાં અમદાવાદ તરફ્ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બનાવની ઓગણીસ વર્ષીય શ્રમજીવી જયદીપ ઠાકોરે જુબલ કુમારભાઈ ઠાકોર અને તેના બંને મિત્રો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાનમાં અમદાવાદ ખાતે સારવારમાં જયદીપનું મૃત્યુ નિપજયાના સમાચાર શનિવારે પોલીસને મળ્યા હતા. પીઆઈ કે. એસ. દવેએ સ્ટાફની ટીમ સાથે ત્રણેય હુમલાખોરોને હુમલામાં વપરાયેલ હથિયાર સાથે ઝડપી હત્યા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે આ બનાવમાં હજુ વધુ નામ ખુલવાની આશંકા તેઓએ વ્યક્ત કરી છે.