ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ થોડા સમય પહેલા જ રિલીઝ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મ જોઈ છે. ફિલ્મ જોયા બાદ પીએમ મોદીએ પણ તેની પ્રશંસા કરી હતી. આ દરમિયાન હવે ફિલ્મના એક્ટર વિક્રાંતે પોતે જણાવ્યું છે કે આ ફિલ્મ જોયા બાદ પીએમ મોદીનું રિએક્શન કેવું હતું.
વિક્રાંત મેસીએ જણાવ્યું પીએમ મોદીનું રિએક્શન
તાજેતરમાં વિક્રાંત મેસીએ એક કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન આ વિશે વાત કરતાં તેમને કહ્યું કે તે ખૂબ જ ખાસ વાતચીત હતી અને હું માનું છું કે તે ચેમ્બરમાં થયેલી વાતચીતને ગુપ્ત રાખવી બેસ્ટ છે. પરંતુ હું શેર કરી શકું છું કે તેમને (પીએમ મોદીએ) ફિલ્મ ખૂબ જ માણી છે અને અમારા કામની પ્રશંસા પણ કરી છે.
બાલયોગી ઓડિટોરિયમમાં યોજાયું હતું સ્ક્રિનિંગ
વિક્રાંતે કહ્યું કે વડાપ્રધાન ફિલ્મ જોઈને ભાવુક થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ નવી દિલ્હીના સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય સાંસદો પણ હાજર હતા. આ સિવાય સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ હાજર રહી હતી.
પીએમ મોદી થયા હતા ભાવુક: વિક્રાંત
વિક્રાંતે સંતોષ વ્યક્ત કર્યો. તેમને કહ્યું કે તેઓ ખુશ છે કે ઐતિહાસિક ઘટનાઓ પર તેમની મહેનતને વડાપ્રધાન તરફથી પ્રશંસા મળી છે. તેને કહ્યું કે પીએમ મોદીને ફિલ્મ ગમી અને અમારું કામ પણ ગમ્યું. કદાચ તે પણ ફિલ્મના સ્ક્રિનિંગ વખતે મારા જેટલા જ ભાવુક હતા. તેમની આંખોમાં આંસું હતા અને તે સંતોષકારક હતા.
આખી જીંદગીભર મારી સાથે રહેશે: વિક્રાંત
વિક્રાંતે વધુમાં કહ્યું કે અમારી મહેનત રંગ લાવી અને અમારો પ્રયાસ પણ યોગ્ય હતો. જેમાં અમે 22 વર્ષ પહેલા લોકો સાથે શું થયું તે જણાવ્યું હતું. આ સિવાય વિક્રાંતે પીએમ મોદીએ કરેલા વખાણ પણ યાદ કર્યા હતા. વિક્રાંતે કહ્યું કે તેમને મારું કામ ગમ્યું અને આ એક પ્રશંસા છે જે જીવનભર મારી સાથે રહેશે.
ગોધરા સ્ટેશનની દુખદ ઘટના પર આધારિત છે આ ફિલ્મ
આ સાથે જો ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની વાત કરીએ તો આ ફિલ્મમાં વિક્રાંત મેસી સિવાય રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના પણ જોવા મળ્યા છે. આ ફિલ્મનું નિર્માણ શોભા કપૂર, એકતા આર કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન દ્વારા બાલાજી મોશન પિક્ચર્સ અને વિકી ફિલ્મ્સ પ્રોડક્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં બનેલી એક દુ:ખદ ઘટના પર આધારિત છે.