પૂર્વ અલ્પસંખ્યક મંત્રી અને રાજ્યસભાનાં ભૂતપૂર્વ ઉપસભાપતિ નઝમા હેપ્તુલ્લાએ આત્મકથામાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અંગે મોટો ખુલાસો કર્યો છે. નઝમા હેપ્તુલ્લાએ લખ્યું છે, 1999માં જ્યારે તેમને આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘ (IPU)નાં અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યાં હતાં ત્યારે તેમણે આ શુભ-સમાચાર આપવા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કર્યો હતો.
તેમને આશા હતી કે સમાચાર સાંભળીને સોનિયા ગાંધી ખુશ થશે પરંતુ ફોન પર તેમના કર્મચારીએ કહી દીધું કે, મેડમ બિઝી છે. ત્યાર બાદ તેઓ એક કલાક સુધી ફોન પર તેમની રાહ જોતાં રહ્યાં પણ સોનિયા ગાંધીએ તેમની સાથે વાત ન કરી. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી સાથેના અણબનાવના લીધે હેપ્તુલ્લાએ કોંગ્રેસ પાર્ટી છોડી હતી અને 2004માં ભાજપમાં જોડાયાં હતા. તાજેતરમાં તેમની આત્મકથા ‘ઇન પરશ્યૂ ઓફ ડેમોક્રસી, બિયોન્ડ પાર્ટી લાઇન્સ’ પ્રકાશિત થઈ છે. તેમણે કહ્યું કે આઇપીયુનાં અધ્યક્ષ બનવું તે ખૂબ મોટી તક હતી. દેશની સંસદથી દુનિયાની સંસદ સુધી પહોંચવાનો આ પ્રસંગ મારા માટે ખૂબ મહત્ત્વનો હતો. હેપ્તુલ્લાએ આત્મકથામાં આ પ્રસંગનું વર્ણન કરતાં લખ્યું છે, તેમણે પહેલાં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને બર્લિનથી ફોન કર્યો હતો. જ્યારે અટલજીએ આ સમાચાર સાંભળ્યા તો તેઓ ઘણા ખુશ થયા અને કહ્યું કે આ ભારતનું સન્માન છે. ભારતની એક મુસ્લિમ મહિલાનું આ પદ પર શોભાયમાન થવું તે વધારે ગર્વની વાત છે.