વડોદરાના રાવપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. રાવપુરા GPS પાસે વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. વરસાદી પાણીથી સ્વિમિંગ પૂલ જેવો ઘાટ સર્જાયો હતો. બાળકો વરસાદી પાણીમાં માણી મજા રહ્યા છે. વાહન ચાલકોને અન્ય માર્ગ ઉપરથી પરત ફરવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો
વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આદિત્ય ઓર્બિટ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે.
સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તેવી સ્થાનિકોની માગ
રાત્રીના બે કલાકમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતા. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે, કોર્પોરેટરો અને સત્તાધીશો પાઈપલાઈનનું કામ કરતા નથી જેના કારણે પાણી ભરાવાની સમસ્યા રહે છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તેવી સ્થાનિકોની માગ છે.
નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.46 મીટરે પહોંચી છે. નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા
નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ મોટાભાગના જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે.