વડોદરાના ડેસરના સારદાપુરા, ભૈયાપુરા, નારપુરા, જુના સિહોરામાં દિપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વેજપુર નજીક આવેલા શારદાપુરાના સીમ વિસ્તારમાં રાત્રી દરમિયાન દિપડો દેખાયો હતો.
દિપડાએ દેખા દેતા ખેડૂતો પોતાના ખેતરમાં જતા ડરી રહ્યા છે
ગોપરી ગામના લોકો વાહન લઈ પસાર થતા હતા, તે દરમિયાન શારદાપુરા સીમ વિસ્તારમાં વાહનની લાઈટમાં દીપડો દેખાયો હતો. ત્યારે વાહન ચાલકે મોબાઈલમાં વીડિયો ઉતારી ખેડૂતોને પહોંચાડતા ફફડાટ ફેલાયો હતો. ખેતરોમાં કામ કરતાં ખેત મજૂરો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયેલો છે. શારદાપુરાના ખેડૂત અતુલભાઈ પટેલની જામફળની વાડી પાસે દીપડાએ દેખા દીધી હતી. ત્યારે દિપાડાએ દેખા દેતા શારદાપુરાના ખેડૂત નિલેશ પટેલ દ્વારા સ્થાનિક ફોરેસ્ટ વિભાગને દીપડા અંગેની જાણ કરવામાં આવી છે. જુના સિહોરા અને નારપુરામાં પણ રાત્રિ દરમિયાન દિપડા અંગે વાતો ફેલાતા ખેડૂતોને હાલમાં પોતાના ખેતરમાં જતા પણ ડર લાગી રહ્યો છે.
વડોદરાના શિનોરમાં હડકાયા કૂતરાનો આતંક
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા વડોદરાના શિનોરના અવાખલ ગામે હડકાયેલા કુતરાનો આતંક જોવા મળ્યો હતો અને આ હડકાયેલા કુતરાએ 10 વ્યક્તિને કરડયું હતું. અવાખલ ગામે બાઈક ઉપર જતા રસ્તે ચાલતા 10 વ્યક્તિઓને હડકાયેલા કૂતરાએ શિકાર બનાવ્યા હતા. અવાખલ ગામના લોકોમાં હડકાયેલા કૂતરાની દહેશતને પગલે ગામના લોકો દ્વારા વનવિભાગ અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એનજીઓને જાણ કરવામા આવી હતી. ગામના લોકોને વનવિભાગ અને એનજીઓ ખો આપી રહ્યા છે એવું પણ હાલમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
આણંદમાં ફેકટરીમાં મગર ઘૂસ્યો, લોકોમાં ભારે ફફડાટ
બીજી તરફ આણંદના સોજિત્રાના મલાતજ ગામમાં પણ એક ફેકટરીમાં મગર ઘુસી ગયો હતો. પ્રયોશ્યામ પાપડ ગૃહઉદ્યોગની ફેકટરીમાં મગર ઘૂસી જતા લોકોમાં ડર ફેલાઈ ગયો છે. પાંચ ફૂટનો મગર ઘુસી જતા કામદારોમાં ભય પ્રસરી ગયો છે. જો કે ત્યારબાદ દયા ફાઉન્ડેશનને જાણ કરવામાં આવતા મગરનું રેસ્કયું કરીને પકડી લેવામાં આવ્યો છે. હાલમાં મગર પકડાઈ જતા ફેકટરીઓના કામદારોમાં રાહત જોવા મળી રહી છે દયા ફાઉન્ડેશનના સ્વયં સેવકોએ રેસ્કયું કરીને મગરને પકડી લીધો અને સલામત સ્થળે તળાવમાં મુક્ત કરવામાં આવ્યો છે.