વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબર પઠાણ સહિતના પાંચ આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. તપન પરમાર નામના નિર્દોષ યુવકની હત્યા નીપજાવી દેવાતાં આજે સવારે પૂર્વ કોર્પોરેટરના ઘરેથી તપન પરમારની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંતિમયાત્રા લઘુમતી વિસ્તારમાંથી પસાર થતાં યાત્રામાં સામેલ લોકોએ હાય રે બાબર હાય હાયના નારા લગાવ્યા હતા. યાત્રામાં સામેલ વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લએ નિવેદન આપતા જણાવ્યું કે, રાજ્યમાં જ્યાં પણ દબાણો હોય તે તૂટવા જોઈએ. દબાણો મુદ્દે કોઈ શહેશરમ ના રાખવી જોઈએ. બાબરનું ઘર દબાણમાં છે કે તે પાલિકાનો વિષય છે. સરકાર આરોપી સામે કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે.
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલએ નિવેદન આપતા જણાવ્યું કે, આ ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે. 6 વર્ષ પહેલા મેં સરકારને પત્ર લખ્યો હતો. રાજ્યમાં પોલીસની ઘટ હોવાથી ગુનેગારો બેફામ બન્યા છે. સરકારે પોલીસ જવાનોની ભરતી કરવી જોઈએ.
મૃતક તપન પરમાર ઘવાયેલા મિત્રોને જોવા માટે ગયો હતો
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરવાડી મહેતાવાડીના જુગાર રમવા બાબતે બાબરખાન પઠાણ સાથે હિન્દુ યુવકનો ઝઘડો થયો હતો. જેમાં બાબરખાન પઠાણે હિન્દુ યુવક વિક્રમ સહિત બે જણા પર ચાકુ વડે હુમલો કર્યો હતો. તેને પણ ઇજા પહોંચી હોવાનું બહાનું કાઢીને કારેલીબાગ પોલીસને શરણે પહોંચી ગયો હતો. ત્યારે પોલીસ તેને પણ સારવાર કરાવવા માટે ચાપતામાં એસ.એસ.જી. હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં પૂર્વ કોર્પોરેટરનો પુત્ર તપન પરમાર પણ ઘવાયેલા મિત્રોને જોવા માટે આવ્યો હતો. ત્યારે તુ કેમ જોવા માટે આવ્યો? એવી રીસ રાખી બાબર ખાન પઠાણે પોલીસની નજર ચુકવીને ઇમરજન્સી વોર્ડમાંથી કેન્ટીન તરફ જતો રહ્યો હતો અને તપન પરમારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આરોપી બહાર નીકળ્યો હોવા છતાં તેના પર બેદરકારી દાખવી નજર નહી રાખનાર કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમાર કાર્યવાહી કરીને બંને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં રાવપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
રાત્રે 1 વાગ્યે તપન કેન્ટીનમાં ચા પીવા ગયો હતો
ભાજપના પૂર્વ નગરસેવકના પુત્ર તપનની હત્યાની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. રાત્રે 1 વાગ્યે તપન કેન્ટીનમાં ચા પીતો હતો. આ સમયે ટોળા સાથે અચાનક બાબર ત્યાં પહોંચ્યો હતો અને તપન પર ચપ્પાના ઘા ઝીંકી દીધા. અન્ય સાગરીતોએ પણ તપનને માર માર્યો. એસ.એસ.જી હોસ્પિટલના કેન્ટીન પાસે આ ઘટનાના કારણે દોડાદોડ થતાં પોલીસની વેન પણ પાછળ દોડી. જોકે, સારવાર દરમિયાન તપનનું મોત નીપજ્યું હતું.
તપન પરમારની હત્યા મામલે પોલીસે જે પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે તે પૈકીના ત્રણનો ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. રવિવારે રાત્રે સયાજી હોસ્પિટલમાં તપન નામના યુવકને ધડાધડ ચપ્પુના પાંચ ઘા મારનાર બાબરને આજે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. મૃતકની માતાએ આક્રોશ ઠાલવતાં કહ્યું હતું, મારું ઘર બની જાય એ પછી મારે મારા પુત્રના લગ્ન કરવા હતા. બાબરને ફાંસી આપવાની માગ કરી હતી.