વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ આજે સરપ્રાઈઝ વિઝિટ પર નીકળ્યા છે. પાદરા મામલતદાર કચેરીના અલગ અલગ વિભાગોમાં વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.
કલેક્ટરે રેશનકાર્ડનું કેવાયસી કરવા માટે વિન્ડો વધારવા માટે આદેશ કર્યા
કલેકટરે આ સરપ્રાઈઝ વિઝિટમાં જનસેવા વિભાગમાં લોકોની વિશાળ લાઈનો જોઈને જિલ્લા કલેકટરે તાત્કાલિક રેશનકાર્ડનું કેવાયસી કરવા માટે વિન્ડો વધારવા માટે આદેશ કર્યા હતા. ત્યારે લોકોએ પણ પોતાની વ્યથા જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરી હતી. ઈ ધરા વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ કરતા કેટલીક જગ્યાઓ પર અધિકારીઓને ટકોર પણ કલેક્ટર બિજલ શાહે કરી હતી.
પાદરામાં રખડતા ઢોર મુદ્દે પણ જિલ્લા કલેકટરે ચીફ ઓફિસરને કડક સૂચના આપી
આ સાથે જ કલેક્ટરે મામલતદાર કચેરીના અલગ અલગ વિભાગોમા પણ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ત્યારે છેલ્લા અનેક સમયથી પોતાના કામ માટે ધક્કા ખાતા લોકોએ કલેકટરનો આભાર વ્યક્ત કર્યો તો પાદરામાં રખડતા ઢોર મુદ્દે પણ જિલ્લા કલેકટરે ચીફ ઓફિસરને કડક સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગામમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જિલ્લા કલેકટરે તાત્કાલિક રખડતા ઢોરને દૂર કરવા ચીફ ઓફિસરને ઓર્ડર કર્યો છે.
શિનોરમાં રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવામાં હાલાકી
શિનોર તાલુકા સેવાસદન કચેરીએ પણ છેલ્લા બે દિવસથી ઈન્ટરનેટના ધાંધિયા હોવાના કારણે 41 ગામના અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા માટે E- KYC કરાવવા આવતા વિદ્યાર્થીઓને ભણતર બગાડીને કચેરીએ બે દિવસથી ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે, છતાં નેટના ધાંધિયા હોવાથી કામ પુર થયા વગર જ ઘરે જવાનો વારો આવે છે.
2 દિવસથી નેટના ધાંધીયાને લોકોને ભારે હાલાકી
એક બાજુ આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને E- KYC કરવાનું જલ્દી કરાવવાનું ભારણ આપવામાં આવે છે તો બીજી બાજુ કચેરીમાં ઈન્ટરનેટના ધાંધિયા છે. ત્યારે કેટલાક દર્દીઓ દવાખાનામાં દાખલ છે અને તેમને મા કાર્ડ માટે રેશનકાર્ડમાં નામનો સુધારો કરવાનો હોય કચેરીએ ઈન્ટરનેટના ધાંધિયાથી બે દિવસથી ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે.