યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS), ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (DOL) સાથે મળીને જાહેરાત કરી કે તે નાણાકીય વર્ષ 2025 માટે વધારાના 64,716 H-2B વિઝા ઉપલબ્ધ કરાવવાની અપેક્ષા રાખે છે.
આ એક અસ્થાયી બિન-ખેતી કામદાર (ટેમ્પરરી નોન-એગ્રીકલ્ચરલ વર્કર) વિઝા છે. આ વિઝા કોંગ્રેસ દ્વારા ફરજિયાત વાર્ષિક 66,000 વિઝા સિવાય છે અને સતત ત્રીજા વર્ષે ચિહ્નિત કરે છે કે કંપનીઓને તમામ ઉપલબ્ધ H-2B વિઝાની એક્સેસ હશે. આ વધારાના H-2B વિઝા નાણાકીય વર્ષ 2024માં પૂરા પાડવામાં આવેલા વધારાના કામચલાઉ વિઝા જેવા જ છે.
આ વિઝા પ્રોગ્રામ અસ્થાયી અને બિન-કૃષિ કામદારો પર આધારિત ક્ષેત્રોમાં કામદારોની અછતને દૂર કરવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. પરંતુ યોગ્ય દેશોની DHSની અપડેટ કરેલી યાદી મુજબ, ભારતીય નાગરિકો આ વિઝા માટે અરજી કરી શકતા નથી.
DHS સેક્રેટરી એલેજાન્ડ્રો એન. મેયોરકાસે શું કહ્યું?
DHS સેક્રેટરી એલેજાન્ડ્રો એન મેયોરકાસે એક નિવેદનમાં કહ્યું છે કે, “H-2B વિઝા પ્રોગ્રામનો મહત્તમ ઉપયોગ કરીને, DHS અમેરિકન વ્યવસાયોની શ્રમ જરૂરિયાતોને પહોંચી વળવા, ગ્રાહકો માટે કિંમતો ઓછી રાખવા, કામદારોની સુરક્ષાને મજબૂત કરવા અને અમેરિકામાં અનિયમિત પ્રવાસન અટકાવવામાં મદદ કરે છે.”
સપ્લીમેન્ટ વિઝાને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ચોક્કસ દેશોના કામદારો માટે 20,000 વિઝા છે. તેમાં ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર, હોન્ડુરાસ, હૈતી, કોલંબિયા, એક્વાડોર અને કોસ્ટા રિકાનો સમાવેશ થાય છે. પાછલા ત્રણ નાણાકીય વર્ષોમાં H-2B સ્ટેટસ ધરાવનારા કામદારો માટે 44,716 વિઝા હશે. સિઝનલ લેબરની ડિમાન્ડને પહોંચી વળવા માટે સપ્લીમેન્ટ વિઝા આખા નાણાકીય વર્ષ દરમિયાન ફાળવવામાં આવશે અને ઉનાળાની ટોચની મોસમ માટે વધારાના વિઝા અનામત રાખવામાં આવશે.
કંપનીઓ માટે આનો અર્થ શું છે?
H-2B વિઝા પ્રોગ્રામનો ઉપયોગ મુખ્યત્વે હોસ્પિટાલિટી, લેન્ડસ્કેપિંગ, સીફૂડ પ્રોસેસિંગ, પર્યટન, કન્સ્ટ્રક્શન અને ફોરેસ્ટ્રી જેવા ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે, જ્યાં પર્યાપ્ત અમેરિકન કામદારો શોધવા એક પડકાર બની શકે છે. વધારાના વિઝાનો અર્થ એ છે કે નોકરીદાતાઓ (કંપનીઓ) કે જેઓ આ કામદારો પર આધાર રાખે છે તેઓ પીક સીઝન દરમિયાન ગ્રાહકની માંગને પૂરી કરી શકે છે.
આ વિઝા કાર્યક્રમમાં જોડાવા માટે, કંપનીઓએ સૌપ્રથમ એ દર્શાવવું પડશે કે હોદ્દા ભરવા માટે કોઈ લાયક યુ.એસ. કામદારો ઉપલબ્ધ નથી. આમાં ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (DOL) પાસેથી પ્રમાણપત્ર મેળવવા અને ભરતીના કડક નિયમોનું પાલન કરવાનો સમાવેશ થાય છે. પાત્રતા, ફાઈલિંગ આવશ્યકતાઓ અને પ્રોગ્રામ સેફગાર્ડ્સ સંબંધિત વિગતવાર માહિતી અસ્થાયી અંતિમ નિયમમાં ઉપલબ્ધ હશે, જે ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે. પ્રોગ્રામમાં રસ ધરાવતી કંપનીઓ અને કામદારો અપડેટ્સ માટે USCIS H-2B વેબપેજની મુલાકાત લઈ શકે છે.
અરજી માટે કયું ફોર્મ ભરવાનું રહેશે?
અરજીની શરૂઆત એમ્પ્લોયર દ્વારા ફોર્મ I-129 (નોન-ઈમિગ્રન્ટ કર્મચારી માટેની અરજી) સબમિટ કરવાથી થાય છે. આ ફોર્મને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર અને યુએસસીઆઈએસ બંને પાસેથી મંજૂરીની જરૂર છે. ત્યાર બાદ અરજદારો તેમના વિઝા માટે ઈલેક્ટ્રોનિક DS-160 ફોર્મ મારફતે અરજી કરી શકે છે અથવા ઈન્ટરવ્યુ માફી પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે.
ભારતને H-2B વિઝા પાત્રતામાંથી રાખવામાં આવ્યું બાકાત
લાયક દેશોની DHSની અપડેટ કરેલી યાદી અનુસાર ભારતીય નાગરિકો H-2B વિઝા માટે અયોગ્ય રહે છે. આ પ્રતિબંધનો અર્થ એ છે કે ભારતના નાગરિકોને H-2B વિઝા માટે અરજી કરવા પર પ્રતિબંધ છે, જ્યારે એન્ડોરા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને કેનેડા જેવા દેશોના નાગરિકો હજુ પણ પાત્ર છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.