પાડોશી દેશ પાકિસ્તાન પોતાના નાપાક કરતૂતો અને નિવેદનબાજીથી વિશ્વમાં ફજેતીનો સામનો કરતું રહ્યું છે. હવે ફરીથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ટીકાનો ભોગ બન્યા છે. જ્યાં ભારતીય રાજદ્વારા ભાવિકા મંગલાનંદને પાકિસ્તાનને સત્યનો સામનો કરાવ્યો અને પાકિસ્તાનના પીએમને કાશ્મીર મુદ્દે આપેલા નિવેદન અંગે રોકડું પરખાવ્યું હતું.
શું છે આખો મામલો
શનિવારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આપેલા નિવેદનને આકરાં શબ્દોમાં વખોડી નાંખ્યું હતું. તેમને જણાવ્યું કે, આ પોતાની રીતે ખરાબ પાખંડ છે. યુએનના ભારતના રાજદ્વારી ભાવિકા મંગલાનંદને કહ્યું કે, સૈન્ય દ્વારા સંચાલિત એક દેશ, જે આતંકવાદ, કેફી દ્રવ્યો, વેપાર અને આંતરરાષ્ટ્રીય ગુના માટે વૈશ્વિક રીતે કુખ્યાત છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર પર હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાકિસ્તાનને ભારતનો આકરો જવાબ
ભારતીય ડિપ્લોમેટ ભાવિકા મંગલનંદને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વળતો જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાનની વૈશ્વિક ઈમેજ આતંકવાદને પ્રોત્સાહન આપનારી છે, તે પોતાના પાડોશી વિરુદ્ધ સરહદ પાર આતંકવાદને હથિયારની રીતે ઉપયોગ કરે છે. શાહબાઝ શરીબના ભાષણની ટીકા કરતા જણાવ્યું કે, પાકિસ્તાન કઈ રીતે આતંકવાદને ઉપયોગ કરી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીમાં આડખીલી કરવાનો પ્રયાસ કરે છે.
ભારતીય રાજદ્વારી ભાવિકાએ આગળ જણાવ્યું કે, આ સભામાં આજે સવારે ખેદજનક રીતે એક હાસ્યાસ્પદ ઘટના જોવા મળી છે. જેમ કે વિશ્વ આખું જાણે છે. પાકિસ્તાને ભારતની સંસદ, નાણાકીય રાજધાની મુંબઈ અને તીર્થસ્થળો પર આતંકવાદી હુમલા કરાવ્યા છે. યાદી ખૂબ જ લાંબી છે. આવા દેશ માટે ક્યાંય પણ હિંસા વિશે બોલવું પોતાનું મોટું પાખંડ છે.
ભારતીય ડિપ્લોમેટ ભાવિકા મંગલાનંદને પાકિસ્તાનના પીએમના ખોટા નિવેદનની પોલ ખોલી દીધી હતી અને આ જવાબની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ભારતીય તેની પર ગર્વ અનુભવી રહ્યા છે.
ભારતીય ડિપ્લોમેટે બીજું શું કહ્યું ?
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના આપેલા નિવેદનની આકરી ટીકા કરતા ભારતીય ડિપ્લોમેટે એવો જવાબ આપ્યો છે કે, ખુદ પાકિસ્તાન સમસમી ગયું છે. ભાવિકા મંગલાનંદને કહ્યું કે અસલી સચ્ચાઈ તો એ છે કે પાકિસ્તાન ભારતના ક્ષેત્રની લાલચ કરતું રહ્યું છે અને તેને ભારતના અવિભાજ્ય અને અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીમાં વિઘ્ન નાખવા સતત આતંકવાદનો ઉપયોગ કરતું રહ્યું છે. આતંકવાદ સાથે કોઈ પણ સમજૂતિ ન થઈ શકે.