રાજ્યમાં ફરી એક વખત મોટી માત્રામાં દારુ ઝડપાયો છે. કચ્છના પડાણામાંથી દારુ ભરેલું ટ્રેલર ઝડપાયું છે. પડાણામાં ટ્રેલરમાં ચોખાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને ટ્રેલરને ઝડપીને તેમાંથી દારૂનો જથ્થ ઝડપીને મોટી કાર્યવાહી હાથ ધરી છે.
ચોખાની આડમાં લવાતો હતો વિદેશી દારુ
પોલીસે રૂપિયા 12.93 લાખનો 24 પેટી દારૂ અને ચોખાના કટ્ટા જપ્ત કર્યા છે. આ સાથે જ રૂપિયા 20 લાખના ટ્રેલર સહિત રૂપિયા 57.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરિયાણાના પાણીપતથી ચોખાની આડમાં વિદેશી દારૂનો જથ્થો મગાવ્યો હતો. પોલીસે બે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં પણ દારૂનો જથ્થો ઝડપાયો
બીજી તરફ વલસાડમાં પણ દારૂનો જથ્થો ઝડપાયો છે. 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નવા નવા કીમિયા શોધીને દારુ રાજ્યમાં ઘુસાડે છે. ત્યારે વલસાડમાં પ્લાસ્ટિકના બબલ્સ રોલની આડમાં વિદેશી દારુ લઈ જવાતો હતો, જેને પોલીસે ઝડપી લીધો છે. વલસાડ રૂલર પોલીસે ધમડાચી રામદેવ ધાબા નજીકથી વિદેશી દારુનો જથ્થો ઝડપ્યો છે. રૂપિયા 3.50 લાખ રૂપિયાના વિદેશી દારૂ સહિત 14 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. હાલમાં પોલીસે એક આરોપીની અટકાયત કર્યો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. દમણથી સુરત તરફ આ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો.