સુરતમાં મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. ભાગળના વેપારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ છે અને બંધ થયેલો રસ્તો માત્ર નામ પૂરતો ખોલતા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાત્રિના સમય દરમિયાન રસ્તા પર કોઈ ભારે વાહન ઘુસી જતા અનેક દુકાનના શટલ તોડી નાખતા વિરોધ કરવામાં આવ્યો છે.
GMRC ગંભીર બેદરકારી દાખવી રહી હોવાનો આરોપ
વેપારીઓ દ્વારા ‘મેટ્રો હાય હાય’ના સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાથે જ GMRC ગંભીર બેદરકારી દાખવી રહી હોવાનો આરોપ પણ વેપારીઓ લગાવી રહ્યા છે. કોઈ પણ સમયે અકસ્માત થાય તે રીતે પતરા પણ મારવામાં આવ્યા છે. આ સાથે જ મેટ્રોની ધીમી કામગીરીથી વર્ષોથી વેપારીઓનો ધંધો પણ બંધ છે. ધીમી ગતિએ મેટ્રો દ્વારા કામ કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ વેપારીઓ લગાવી રહ્યા છે.
અગાઉ મેટ્રોની કામગીરી દરમિયાન સ્લેબ ખસી જવાની ઘટના પણ સામે આવી હતી
તમને જણાવી દઈએ કે મેટ્રોની કામગીરી અગાઉ પણ શહેરમાં વિવાદમાં આવી ચૂકી છે. થોડા મહિનાઓ પહેલા જ મેટ્રોની કામગીરી દરમિયાન સ્લેબ ખસી જવાની ઘટના પણ સામે આવી હતી, જો કે આ બનાવમાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નહતી. તે સમયે પણ આસપાસમાં રહેતા લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તંત્રને આ અંગે જાણ પણ કરવામાં આવી હતી.