રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં ઉપલેટા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભાદર ચોક, કટલેરી બજાર તથા વીજળી રોડ, વિક્રમ ચોક સહિતમાં પાણી ભરાયા છે. તેમજ સમઢીયાળા, લાઠ, ભીમોરા ગામ્યમાં વરસાદ આવ્યો છે. મજેઠી, કુંઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.
નવાપરા, પાક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી
રાજકોટના ઉપલેટામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. સતત બે દિવસથી ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર મેઘરાજા કડાકા ભડાકા સાથે વરસી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. દિવસ દરમિયાન ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉપલેટાના ભાદરકાંઠાના સમઢીયાળા, લાઠ, ભીમોરા, મજેઠી, કુંઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. મોજ નદી કાંઠા વિસ્તારના ખાખીજાળીયા, સેવંત્રા, ગઢાડા, નવાપરા, પાક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી હતી.
વીજળી રોડ, વિક્રમ ચોક સહિતના વિસ્તારોમાં રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી વહેતા થયા
દિવસ દરમિયાન ઉપલેટાના તલંગણા ગામે ધોધમાર વરસાદ પડ્યો હોવાની પણ માહિતીઓ સામે આવી રહી છે. જેમાં ઉપલેટા શહેરમાં મોડી રાત્રે 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. તેમાં રાજમાર્ગ, ભાદર ચોક, કટલેરી બજાર, વીજળી રોડ, વિક્રમ ચોક સહિતના વિસ્તારોમાં રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી વહેતા થયા હતા.