Surat Corporation : સુરત પાલિકાના વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં કોટેઝ ઈન્ડસ્ટ્રીઝમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામને કારણે આજે શુક્રવારે મળનારી પાલિકાની સામાન્ય સભા તોફાની બની શકે છે. સુરત પાલિકાના વિરોધ પક્ષ સાથે પક્ષ પલ્ટુ કોર્પોરેટરો પણ આ મુદ્દે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. આ ઉપરાંત આ કિસ્સામાં કેટલાક રાજકારણીઓએ તોડ કર્યો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે. ભાજપ માટે આ બાંધકામ ગળામાંના હાડકા સમાન પુણાના કોટેઝ વિસ્તારના ગેરકાયદે બાંધકામનો પડઘો આજની સામાન્ય સભામાં સાંભળવા મળી શકે છે.
સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અંગે સુરત પાલિકાના વિરોધ પક્ષ, પક્ષ પલ્ટુ કોર્પોરેટરો અને કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત પાલિકાના વરાછા ઝોનમાં કોટેજ ઈન્ડ.ના નામે પ્લાન પાસ કરાવી થતાં ઈન્ડસ્ટ્રીયલ બાંધકામની વ્યાપક ફરિયાદ થઈ રહી છે. આ ફરિયાદ બાદ પાલિકાએ કેટલાક બાંધકામનું ડિમોલીશન પણ કર્યું છે. જોકે, આવા પ્રકારના બાંધકામ પુણા વિસ્તારમાં સંખ્યાબંધ છે અને તેનો વિરોધ કોર્પોરેટરો દ્વારા કરવામા આવી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ પાલિકાના વરાછા અને કતારગામના નવા વિસ્તારમાં રહેણાંક વિસ્તાર જાહેર કરવામાં આવેલા છે તે વિસ્તારમાં જીડીસીઆરની જોગવાઈ પ્રમાણે કોટેજ ઈન્ડસ્ટ્રીઝની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ કેટલાક તત્વો દ્વારા કોટેજ ઈન્ડસ્ટ્રીઝના નામે ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ તરીકે વેચાણ કરી તેમાં કોટેજને બદલે ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી દેવામાં આવે છે. તેવી ફરિયાદ પક્ષ પલ્ટુ કોર્પોરટેરો અને વિરોધ પક્ષ કરી રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ પણ આ વિરોધ કરી રહી છે.
થોડા સમય પહેલાં વિપક્ષના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીમાં વિપક્ષના સભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોનો સમાવેશ કરવામાં મેયર દ્વારા આડોડાઈ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા ચાર દિવસ પૂર્વે મેયર કચેરી બહાર રામધૂન કરી હતી. આ ઉપરાંત પુણા વિસ્તારના ગેરકાયદે બાંધકામ અંગે પણ અનેક ફરિયાદ થઈ રહી છે ત્યારે આજની સામાન્ય સભામાં આ મુદ્દે હોબાળો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.