શાહરૂખ ખાનને કોણ નથી ઓળખતુ. તેનું ફેન ફોલોવિંગ માત્ર ભારતમાં જ નહી પણ વિદેશમાં પણ તેટલું જ છે. બોલિવૂડમાં લોકો હંમેશા તેની સાથે કામ કરવા ઈચ્છે છે. પણ હવે હોલિવુડમાં પણ અભિનેતાઓ અને અભિનેત્રીઓ કિંગખાન સાથે કામ કરવા આતુર છે. હાલમાં જ એકેડેમી એવોર્ડ (ઓસ્કાર) વિજેતા હોલિવુડ અભિનેત્રી નિકોલ કિડમેને કિંગ ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નિકોલ કહે છે કે શાહરૂખ ખાન સાથે કામ કરવું ખૂબ જ સારું રહેશે.
શાહરૂખખાન સાથે કામ કરવા માગે છે આ અભિનેત્રી
‘મૂલૌન રૂજ’, ‘ધ અવર્સ’ જેવી શ્રેષ્ઠ હોલિવૂડ ફિલ્મો માટે પ્રખ્યાત નિકોલે એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે હું જયપુર, ગોવા વગેરે જેવા ઘણા શહેરોમાં ગઇ છું. હું ઐશ્વર્યા રાય બચ્ચનને મળી છું અને ઈશાન ખટ્ટર સાથે સીરિઝ ‘ધ પરફેક્ટ કપલ’માં કામ કર્યું છે. તે આપણા દેશ માટે મજબૂત સેતુનું કામ કરે છે.” જ્યારે તેને કહેવામાં આવ્યું કે લોકો તેની અને શાહરૂખ ખાન સાથે કામ કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે તેની પર નિકોલે જવાબ આપ્યુ કે આ ઘણુ સારુ રહેશે.
આ અભિનેતાને પણ શાહરુખ સાથે કરવુ છે કામ
મહત્વનું છે કે આ પહેલા ‘ડેડપૂલ’ અને ‘વોલ્વરાઈન’ સ્ટાર હ્યુ જેકમેને પણ શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માર્વેલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં હ્યુ જેકમેનને પૂછવામાં આવ્યું કે તે બોલિવૂડમાં કોની સાથે કામ કરવા ઈચ્છે છે. તેના જવાબમાં તેણે શાહરૂખ ખાનનું નામ લીધું હતું. તેઓએ કહ્યું હતું કે મારી અને શાહરૂખ ખાન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોમાં અનેકવાર વાતચીત થઇ પરંતુ કોણ જાણે કે એક દિવસ અમે ક્યારે સાથે કામ કરીશું.
શાહરૂખ ખાનની આગામી ફિલ્મો
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ની રિલીઝ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં મુફાસાના પાત્રને અવાજ આપ્યો છે. આ ફિલ્મ ભારતમાં 20મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ સિવાય શાહરૂખ ખાન પણ તેની આગામી ફિલ્મ ‘કિંગ’ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. ‘કિંગ’માં તેની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2026માં આવશે.