Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલા માંડવી ટાવર નજીક આવેલા ભગવાન વીઠલ મંદિરેથી આન બાન શાનથી આજે સવારે નિયત સમયે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલાના નાદ સાથે બેન્ડવાજાની સુરાવલી વચ્ચે પાલખીમાં બિરાજીત પ્રભુ વિઠ્ઠલનાથજી 215મી પાલખીયાત્રામાં નગરચર્યાએ નીકળ્યા હતા. આજથી લગ્નસરા સહિતના શુભ કાર્યોના શ્રીગણેશ થશે. આનંદ ઉલ્લાસના વાતાવરણમાં પ્રભુના તુલસીજી સાથેના વિવાહ રાત્રે નિયત સમયે મંદિરમાં યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કારતક સુદ અગિયારસ (દેવ ઉઠી એકાદશી)ની સવારે નિયત સમયે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા ભગવાન શ્રી વિઠ્ઠલ નાથજી ચાંદીની પાલખીયાત્રા વાજતે ગાજતે બેન્ડવાજાની સુરાવલી તથા ભક્તોના જય ઘોષ સાથે પ્રસ્થાન થઈ હતી. આ પ્રસંગે રાજવી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. માંડવી રોડ થઈને શહેરના રાજમાર્ગો પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રભુની પાલખીયાત્રા રાવપુરા ટાવર થઈને નાગરવાડાથી બહુચરાજી-ખાસવાડી રોડ થઈને શ્રીમંત સ્વ. ગહનાબાઇના મંદિરે બપોરે નિયત સમયે પહોંચતા પ્રભુ વિશ્રામ કરશે. મંદિરેથી નીકળેલી પાલખી યાત્રાની ભાવિકો દ્વારા ઠેર ઠેર પધરામણી કરાઈ હતી. બપોર બાદ નિયત સમયે પાલખીયાત્રા નીજ મંદિરે પરત ફરશે અને રાત્રે નીજ મંદિરમાં શણગારેલા મંડપમાં સુશોભિત કરાયેલા મોયરામાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી તુલસીજી સાથે લગ્ન વિવાહ સંપન્ન થશે. આ અગાઉ વહેલી સવારે મંગળા આરતી પણ યોજાઈ હતી.
એ જ પ્રમાણે વડોદરા શહેરમાં દેવ દિવાળીના દિવસે નરસિંહજી ભગવાનનો વરઘોડો પણ નીકળશે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તુલસીવાડી ખાતે મંદિરના સંચાલકો દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી હતી.