ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો તેમજ ખાનગી મિલકતો કે જે અતિ જર્જરિત હાલતમાં હોય તેને ઉતારી લેવા અથવા રીપેરીંગ કરવા અને જો બિલ્ડીંગ અતિ જર્જરીત હોય તો તેને ખાલી કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જર્જરિત બિલ્ડીંગોને નોટિસો પણ આપવામાં આવી હતી.
શાસક પક્ષના લોકો માત્ર મોટામોટા બણગાં ફૂંકે છે
પરંતુ અહીં સવાલ એ થાય છે કે ખુદ મહાનગરપાલિકા હસ્તકનું વર્ષો જૂનું શાકમાર્કેટનું બિલ્ડીંગ અતિ જર્જરીત હાલતમાં છે, તે મહાનગરપાલિકાને ધ્યાને કેમ આવતું નથી. વિપક્ષના ઉપનેતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કરોડોની ગ્રાન્ટ લાવીને વિકાસના મોટામોટા બણગાં શાસકો ફૂંકે છે, ત્યારે શાક માર્કેટ અત્યંત જર્જરિત બની ગઈ છે, તેને રીપેર કરાવવા શાસકો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે કેમ? તે એક સવાલ છે.
હજારોની સંખ્યામાં લોકો શાકભાજી ખરીદવામાં આવે છે
ભાવનગર શહેરની મધ્યમાં આવેલા ગંગાજળીયા તળાવ તરીકે ઓળખાતા વિસ્તારમાં 70 વર્ષ જૂનું શાક માર્કેટ આવેલું છે, અહીંયા મોટી સંખ્યામાં વેપારીઓ રોજ શાક બકાલાનો વેપાર કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં અહીંયા પુરુષો અને મહિલાઓ શાકભાજીની ખરીદી માટે આવતા હોય છે. સતત અવરજવર વાળા આ શાકમાર્કેટના બિલ્ડીંગની હાલત અતિ જર્જરીત છે. બિલ્ડીંગના મોટાભાગના છતમાં પાણી અને ગાબડા પડી ગયા છે, લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે તો દીવાલોમાં પણ મોટા ગાબડાઓ અને તિરાડો દેખાઈ રહી છે. વિપક્ષ દ્વારા અનેક રજુઆત, આંદોલન અને વિરોધ દર્શાવવામાં આવ્યો તેમ છતાં શાક માર્કેટની સ્થતિ તેની તેજ છે, વિપક્ષ દ્વારા શાક માર્કેટને ડેવલપ કરવામાં આવે તેવી માગ કરી રહ્યું છે.
શાક માર્કેટના રીનોવેશન માટે અનેક વાર રજૂઆતો થઈ
શાક માર્કેટના રીનોવેશન માટે અનેક વાર રજૂઆતો થઈ છે, પરંતુ એકવાર પણ રીનોવેશન થયું નથી. કારણ કે રીનોવેશન બાદ શાકમાર્કેટની પરિસ્થિતિ જેની તે જ જોવા મળી રહી છે. આખા શાક માર્કેટમાં ઠેર ઠેર જગ્યાએ ચોમાસા દરમિયાન વરસાદી પાણી પડી રહ્યું છે, સ્લેબમાં પાણી ઉતરવાના કારણે સ્લેબ અત્યંત નબળો પડી ગયો છે અને ગાબડા પડવા લાગ્યા છે. દીવાલો પણ પડું પડું થઈ રહી છે, જોકે આ અંગે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતા તેઓ એ જણાવ્યું કે શહેરમાં આવેલા શાકમાર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં છે. આગામી દિવસોમાં આ શાક માર્કેટને નવી બનાવવામાં આવશે અને તેની સાથોસાથ અન્ય જગ્યાએ પણ શાક માર્કેટ છે, તેમનું પણ અન્ય મેગા સિટીની જેમ અતિઆધુનિક શાક માર્કેટ બનાવવામાં આવશે. પરંતુ એ પહેલા કોઈ મોટી ઘટના ઘટશે તો તેની પાછળ જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે.
શાક માર્કેટની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે, ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર કોઈ મોટી જાન હાનિની રાહ જોઈ રહ્યું છે કે કેમ કારણ કે અહીં શાકમાર્કેટમાં હજારો લોકો અવરજવર કરતા હોય છે, ત્યારે કોઈ જાનહાની થાય એ પહેલા તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવશે કે કેમ તે હવે જોવુ રહ્યું.