હાલમાં સમગ્ર દેશમાં મંદિરના પ્રસાદને લઈને તમામ જગ્યાઓએ જોર પકડ્યું છે, ત્યારે હવે ખેડા જિલ્લામાં આવેલા ડાકોર રણછોડજી મંદિરમાં પણ ભક્તોને આપવામાં આવતા પ્રસાદને લઈને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
તિરુપતિ મંદિરની જેમ રણછોડરાય મંદિરમાં મળતા પ્રસાદની તપાસ કરવાની માગ
ડાકોર રણછોડરાય મંદિરના પૂજારી દ્વારા જ મંદિરમાં અપાતી ભક્તોને લાડુ પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માગ કરવામાં આવી છે. જેને લઈને ડાકોર રણછોડજી મંદિરના સેવક આશિષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે અને માગ કરવામાં આવી છે કે જેવી રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ હતી તેવી જ રીતે ડાકોર રણછોડજી મંદિરમાં પ્રસાદની તપાસ કરવામાં આવે.
પૂજારીએ કરેલી પોસ્ટને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું
સોશિયલ મીડિયામાં આશિષભાઈ સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાં પોસ્ટ મૂકી છે. આ પોસ્ટ મૂકીને કોમેન્ટ બોક્સમાં લાડુની પ્રસાદી વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે તો બીજી તરફ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે પહેલા લાડુનો પ્રસાદ મહિનાઓ સુધી સારો રહેતો હતો, પરંતુ હવે ત્રણથી ચાર જ દિવસમાં લાડુનો પ્રસાદ બગડી જાય છે. ત્યારે સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટને લઈ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ડાકોર મંદિરમાં તૈયાર થતાં પ્રસાદનું સંદેશ ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરાયુ
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં પ્રસાદને લઈ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી હતી અને તેમાં જાણવા મળ્યું કે ડાકોર મંદિરમાં તૈયાર થતો લાડુના પ્રસાદમાં વપરાતી સંપૂર્ણ સામગ્રી ગુણવત્તા યુક્ત છે, લાડુના પ્રસાદ માટે અમુલનું શુદ્ધ ઘી વાપરવામાં આવે છે. અમુલ કંપનીમાંથી આવતા ઘીના જથ્થા સાથે ગુણવત્તાના સર્ટિફિકેટ પણ મોકલવામાં આવે છે. લાડુના પ્રસાદની સમગ્ર સામગ્રી સાથે તૈયાર કરાયા બાદ રણછોડજી સમક્ષ તેને ધરાવવામાં આવે છે. રણછોડજી સમક્ષ લાડુનો પ્રસાદ ધરાવ્યા બાદ તેનું મશીન દ્વારા જ પેકિંગ કરીને વેચાણ અર્થે મુકવામાં આવે છે.