છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાતાં ગરમ કપડાંના બજારમાં તેજી આવી છે. મહેસાણા શહેરના મુખ્ય માર્ગ ઉપર સ્વેટરોનું વેચાણ થઈ રહ્યું છે. મધ્યમ વર્ગ ઓછી કિંમતે સ્વેટર ખરીદી શકે તે માટે આવાં છુટક વેચાણ બજાર ઉપયોગી થઈ રહ્યાં છે. અહેવાલ વચ્ચે ઈન્સેટ કરેલી તસ્વીરમાં ગરમ સ્વેટરની ખરીદી કરતી યુવતીઓ દ્રષ્ટિગોચર થાય છે. બુધવારના રોજ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. જયારે ગુરુવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 9 ડિગ્રી જેટલું થવાની આગાહી છે.
છેલ્લા બે દિવસથી ઠંડી વધતાં મહેસાણા પિલાજીગંજમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે શહેરીજનોમાં ભારે ધસારો રહ્યો હતો. ઠંડા પવનના લીધે શહેરીજનો સવારથી જ ગરમ વસ્ત્રો પહેરીને કામ ધંધે નીકળ્યા હતા. ધુમ્મસ અને ઠંડા પવનની તીવ્રતાના કારણે બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડી વધતાં ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો, અજમો જેવા પાકોને ફાયદો થશે. ઠંડીનો આ ચમકારો આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેના કારણે ગરમ વસ્ત્રોની ખરીદી કરવા ધસારો વધ્યો છે.
મહેસાણામાં 48 કલાકમાં બે ડિગ્રી મહત્તમ તાપમાન ઘટયું । લઘુતમ તાપમાન 9 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું
મહેસાણા જિલ્લામા લઘુત્તમ તાપમાનમા ઘટાડા સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઈ દિવસે પણ કાતિલ ઠંડીનો અહેસાસ જિલ્લાવાસીઓને થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમા કોઈ મોટો ફેરફર જોવા મળશે નહી તેવી ધારણા વ્યકત કરાઈ છે. મહેસાણામા પાછલા 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમા કોઈ પણ ફેરફર જોવા મળ્યો ન હતો.જ્યારે મહત્તમ તાપમાનમા બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.જેને લઈ વહેલી પરોઢ અને રાત્રિ ઉપરાંત દિવસ દરમિયાન પણ કાતિલ ઠંડીનું મોજું જોવા મળ્યું હતુ. તાપમાનમા સામાન્ય ફેરફર પગલે બુધવારે મહેસાણાનુ મહત્તમ તાપમાન 27 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમા કોઈ પણ ફેરફર જોવા નહીં મળે જોકે તે બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.