ગુનાહિત બેદરકારીથી 134 નિર્દોષોના જીવ ગયા હતા તે મોરબીના પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી : ઓરેવાના જયસુખ પટેલ શરતી જામીન પર છે : 3 દિવસની ખાસ મંજૂરી મેળવી હાજર રહ્યાનો બચાવ
રાજકોટ, : મોરબીના મચ્છુનદી પર આવેલા ઝૂલતાપૂલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ રાખીને બાદમાં તેની મજબૂતાઈ ચકાસ્યા વગર ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે ખુલ્લો મુકી દેતા અને પૂલ પર ઓવરલોડ મુલાકાતીઓ ન થાય તે માટે સિક્યુરિટી વ્યવસ્થા નહીં રાખતા બે વર્ષ પહેલા તા. 30-10-2022ના ઝૂલતાપૂલ ધસી પડતા 134થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને આ ભયાનક દર્દનાક બનાવને આજે પણ લોકો વિસરી શક્યા નથી. ત્યારે આ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલ મોરબીના એક જાહેર કાર્યક્રમમાં નજરે પડતા વિવાદ જાગ્યો છે.
આ અંગે ઝૂલતાપૂલના પીડિત પરિવારોના સંગઠને જણાવ્યું કે આજે પણ માનવસર્જિત આ દુર્ઘટનાના પીડિત પરિવારો આ અસહ્ય વેદનાને વિસરી શક્યા નથી, ઓરેવાના માલિક જયસુખ પટેલની જામીન અરજી અગાઉ નામંજુર થઈ હતી અને બાદમાં તેને મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવાની શરતે જામીન મંજુર કરાયા હતા.