– ઈન્સ્ટાગ્રામથી પ્રેમઃ માશુકાને મળવા નીકળેલા યુવકની કહાની
– પાકિસ્તાનની ઈન્સ્ટ્રાગ્રામ ફ્રેન્ડના એક તરફી પ્રેમમાં પાગલ એમ.એડ. ભણેલો આશિક ઈમ્તિયાઝ ‘ગુગલ મેપ’ના સહારે કચ્છ સરહદે ખાવડા પહોંચ્યો હતો
– પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માશુકાને મળવા નીકળેલા યુવકને ખાવડા પોલીસે તપાસ પછી કાશ્મીર મોકલ્યો
ભુજ: મુઝે પાકિસ્તાન જાના હૈ, વિઝા કહાં સે મિલેગા. ખાવડામાં એસ.ટી. બસ ઉભી રહી તેમાંથી ઉતરેલાં પ્રથમ નજરે જ કાશ્મીરનો હોય તેવી સ્કીન ધરાવતા યુવકે પોલીસ કર્મચારીને આ વાત કરી. એમ.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલો ૪૪ વર્ષનો ઈમ્તિયાઝ શેખ ઈન્સ્ટાગ્રામથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતની આલિયા નામની યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. કચ્છ સરહદે ખાવડા પોલીસ પાસે જ પહોંચેલાં ઈમ્તિયાઝ અને તેના પરિવારની એજન્સીઓએ તપાસ કરી હતી. પોતાને પ્રેમ થઈ ગયો છે તેવી પાકિસ્તાની યુવતી સુધી પહોંચવા કાશ્મીરથી ગુગલ મેપના આધારે કચ્છ સરહદે પહોંચેલા ઈમ્તિયાઝને કચ્છ પોલીસ અને એજન્સીઓએ ઊંડી તપાસ કર્યા બાદ વતન કાશ્મીર પરત મોકલ્યો છે.
ઇન્સ્ટ્રાગ્રામ પર ડોકટર આલિયા સોહેબ નામની આઇ.ડી. ઉપરથી એક તરફી પ્રેમમાં પડેલો કાશ્મીરના ગોડજાહાંગીર ગામનો યુવક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માશુકાને મળવા ગુગલ મેપના સહારે અમદાવાદ, વડોદરા બાદ ભુજ થઇને ખાવડા પહોંચ્યો હતો. કચ્છ સરહદના ખાવડામાં ઉતરતાં જ સ્થાનિક પોલીસ પાસે જઈને પાકિસ્તાનના વીઝા માંગતા પોલીસ જવાનો ચોંકી ઉઠયા હતા. કાશ્મીરના અને પાકિસ્તાન જવા ઈચ્છતા ઈમ્તિયાઝ શેખ નામના યુવકની પોલીસ સહિતની એજન્સીઓએ ઊંડાણભરી પૂછપરછ કરી હતી. આ યુવક એક તરફી પ્રેમમાં માનસિક વિચલિત થયો હોવાનું અને ઘરેથી કોઇને કહ્યા વગર જ નીકળી ગયો હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. યુવક પાસેથી કોઇ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવી ન હતી. ખાવડા પોલીસે માર્ગદર્શન આપી ઈમ્તિયાઝને પરત તેના વતન, કાશ્મીર મોકલી આપ્યો હતો.
ખાવડા પોલીસે જણાવ્યું કે, મંગળવારે સવારે ૧૧ વાગ્યે ભુજથી ખાવડા બસ આવી ત્યારે ખાવડા ચોકડી પર સીવીલ ડ્રેસમાં પોલીસ સ્ટાફ ઉભો હતો. બસમાંથી કાશ્મીરના બાડીપુવા જિલ્લા હાજીન તાલુકાના ગોડજાહાંગીર ગામનો ૪૪ વર્ષનો ઇમ્તિયાઝ અહેમદ અબ્દુરરસીદ શેખ નામનો યુવક ઉતર્યો હતો. આ યુવક બસમાંથી ઉતરીને સીધો જ પોલીસ પાસે પહોંચ્યો હતો અને કહ્યું કે- ‘મારે પાકિસ્તાન જવું છે. વીઝા ક્યાંથી મળશે.’ આ યુવકની વાત સાંભળીને ખાવડા પોલીસ ચોંકી ઉઠી હતી. ખાવડા પોલીસ મથકે લાવીને પોલીસ અને બીએસએફ દ્વારા યુવકની પુછતાછ કરવામાં આવી હતી.
કાશ્મીરના વતની ઈમ્તિયાઝે પોલીસને જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામમાં ડોક્ટર આલિયા સોહેબ નામની યુવતી સાથે તેનો પરીચય થયો હતો. આ યુવતી સાથે એકતરફી પ્રેમની લાગણી બંધાતાં ઈમ્તિયાઝ પાકિસ્તાન જવા તત્પર બન્યો હતો. પાકિસ્તાન જવા માટે ગુગલ મેપ ઉપર સર્ચ કર્યું હતું. ગુગલના આધારે ગુજરાતના અમદાવાદથી વડોદરા અને કચ્છ ભુજથી ખાવડા થઇને પાકિસ્તાન જવા માટે આવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસને યુવક પાસેથી મળી આવેલા આધાર કાર્ડ પરથી કાશ્મીરના બાડીપુવા જિલ્લાના હાજીન પોલીસ મથકનો સંપર્ક કરીને યુવકના પરિવારજનો સાથે વાતચિત કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, ઇમ્તિયાઝ પાકિસ્તાનની ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ એવી યુવતીના એક તરફી પ્રેમમાં દિવાનો બન્યો છે. પ્રેમમાં માનસિક વિચલિત થઇ જવાથી કોઇને જાણ કર્યા વીના ઘરેથી નીકળી ગયો હોવાનું ઇમ્તિયાઝના નાના ભાઇ મુસ્તાક અહેમદ અબ્દુલરસીદ શેખએ પોલીસને જણાવ્યું હતું. પોલીસને યુવક પાસેથી કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. ખાવડા પોલીસ અને બીએસએફ દ્વારા યુવકની પુછપરછ કર્યા બાદ યુવકને વતને જવા માટે માર્ગ દર્શન આપી પરત મોકલી આપ્યો હતો.
બે ભાઇ-ચાર બહેનમાં ઇમ્તિયાઝ કુંવારો હોઇ માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો
ખાવડા પોલીસે જણાવ્યું હતું કે, ઇમ્તિયાઝ એમ.એડ. સુધી ભણેલો છે. અને તે તથા તેના ભાઇઓ અલગ અલગ દુકાનોમાં મજુરી કામ કરે છે. ઇમ્તિયાઝ બે ભાઇ અને ચાર બહેનો છે. જેમના લગ્ન થઇ ગયા છે. ૪૨ વર્ષનો ઇમ્તિયાઝ હજુ કુંવારો હોઇ એક તરફી પ્રેમમાં દિવાનો બની ગયો છે.
મુજે માશુકા કો મીલને પાકિસ્તાન જાના હે વીઝા ચાહીએ – કહેતાં જ ખાવડા પોલીસ ચોંકી
ખાવડામાં ઉતર્યા બાદ ઇમ્તિયાઝએ ખાવડા પોલીસને કહ્યું કે, ‘મુજે માશુકા કો મીલને પાકિસ્તાન જાના હૈ. પોલીસ મે સે પાકિસ્તાન કા વીઝા લેના હૈ. મેરી દાઢી બડ ગઇ હૈ, મે કરવા લું… મેરી માસુકા દેખેગી તો, કૈસા લગેગા.’ આવી વાત કરતાં ઇમ્તિયાઝને પોલીસ સ્ટેશને લઇ જઇને તેની અંગજડતી લેતાં તેની પાસેથી આધારકાર્ડ અને રોકડા રૂપિયા ૨૭૦ મળી આવ્યા હતા.