જ્યાં ગાબડુ દેખાય છે તે સ્થાને મંદિર હતુ |
ઝઘડિયા : ભરૃચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. જે પૈકી વઢવાણા ગામે આવેલા ૬૦૦ વર્ષ પૌરાણિક શક્રેશ્વર મહાદેવનું મંદિર ગત રાત્રે નર્મદા નદીમાં ધસી પડયુ હતું. સ્થાનિક નેતાગીરી અને સરકારની ભયંકર બેદરકારીના કારણે લાખો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ પ્રાચીન મંદીરનું અસ્તિત્વ જ ખતમ થઇ જતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
આ શક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીના કાંઠે આવેલું છે. દર વર્ષે વરસાદના કારણે મંદિરની જગ્યાનું મોટાપાયે ધોવાણ થતુ આવ્યુ છે જેના કારણે મંદિર પરિસરની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. મંદિરના મહંત સિયાશરણદાસજીએ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દહેશત વ્યક્ત કરી હતી કે જો તુરંત પગલા નહી લેવાય અને સંરક્ષણ દીવાલ બનાવવામાં નહી આવે તો મંદિરનું અસ્તિત્વ જોખમમાં છે. ગંભીર બાબત તો એ હતી કે ગર્ભગૃહ સ્થિત શિવલિંગ પણ એક ઇંચ નીચે જતું રહ્યું હતું. આ વખતે પણ ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું હતુ. દરમિયાન ગત રાત્રે ભેખડનું ધોવાણ થતાં શક્રેશ્વર મહાદેવ મંદિર આખું નર્મદા કિનારા પરથી નદીમાં ધસી પડયું હતું.
જળ સમાધી પહેલાની મંદિરની તસવીર |
આ દુર્ઘટનાના પગલે દોડધામ મચી ગઇ હતી અને મહંત સિયાશરણદાસજી તથા વઢવાણાના ગ્રામજનોએ જીવના જોખમે શિવલિંગ, શિવ પરિવારની પ્રતિમાઓ ઉપરાંત પવિત્ર સામગ્રીઓ બચાવી લીધી હતી.મહંત અને ગ્રામજનો આ ઘટનાથી ભારે નારાજ થયા છે. તેઓનું કહેવું છે કે મંદિરને બચાવવા માટે ઝઘડિયાના ભાજપાના ધારાસભ્ય રિતેશ વસાવાને, ભાજપાના સાંસદ મનસુખ વસાવાને, ભાજપાના જિલ્લા પ્રમુખ મારૃતિસિંહ અટોદરિયાને અવારનવાર ટેલીફોનિક અને લેખિતમાં જાણ કરી પ્રોટેક્શન વોલ બનાવવા રજૂઆત કરી હતી. પરંતુ વહીવટી તંત્ર તથા નેતાઓ વાયદાઓ જ કરતા રહ્યા અને મંદિરની જળસમાધિ થઇ ગઇ. આ પૌરાણિક મંદિરમાં નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવતું હતું.