વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહોત્સવને વીડિયો કોન્ફરન્સથી સંબોધન
આજે કૃષિ સંમેલનમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઉપસ્થિત રહી ઉદ્બોધન કરશે, પાંચ દિવસના ધર્મોત્સવમાં ભાગ લેવા સંખ્યાબંધ પાટીદારો ઉમટયા
રાજકોટ: જામજોધપુર તાલુકામાં સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીના ૧૨૫મા વર્ષના પ્રાગટયોત્સવનો સમાજના સંખ્યાબંધ પરિવારજનોની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પ્રાગટયોત્સવનાં પ્રથમ દિને ઉદ્ઘાટન સત્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંદેશ પાઠવી સમાજને નવી ઉંચાઇએ લઇ જવામાં ઉમિયાધામ સીદસરનો મહોત્સવ સમિતિ બનશે તેમજ લોકકલ્યાણ અને લોક ચેતના જાગૃત કરવામાં સહભાગી થશે તેમ જણાવ્યું હતું.
જામજોધપુર તાલુકામાં વેણુ નદીનાં કાંઠે ઉમિયાધામ સીદસર ખાતે આયોજિત સમારોહનું ઉદ્ઘાટન આજરોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોતમ રૂપાલાએ કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજને વ્યસન મુક્ત થવાની દિશામાં આગળ વધવાની જરૂર છે. રક્ષાબંધન પૂર્વે પાટીદાર સમાજની બહેનો ભાઇ પાસે ગીફટ તરીકે સાડી નહીં પરંતુ વ્યસન મુક્ત થવાનો સંકલ્પ લેવડાવે તે જરૂરી છે.