image : Social media
Tapi River Water Metro : સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટે જીવાદોરી છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર મેટ્રો માટે આયોજન કરી રહી છે. સુરતને ભારત દેશમાં લોજીસ્ટ્રીફ્સના ક્ષેત્રમાં એક મોટું ગ્રોથ હબ બનાવવા બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ માટે કવાયત શરૂ થઈ છે. જો પાલિકા દ્વારા તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવામા આવે તો કોચી પછી સુરતમાં વોટર મેટ્રો શરુ કરનાર શહેર બની જશે,
ભારતના કોચી વિસ્તારમાં દેશની પહેલી વોટર મેટ્રો છે તેવી જ રીતે હવે સુરતમાં વોટર મેટ્રો બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. થોડા સમય પહેલા પેરીસ ખાતે ટ્રાન્સ્પોટેશન અંગેના વર્કશોપમાં ગુજરાત સરકાર વતી પ્રતિનિધિ તરીકે હાજર સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સાથે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ હેડ પણ ઉપસ્થિત હતા. તેમની આ મુલાકાત બાદ સુરતમાં પણ તાપી નદીમાં વોટર મેટ્રો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગેની વધુ માહિતી આપતા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત ભારતમાં સૌથી બેસ્ટ કનેક્ટેડ સીટી તરીકે ઉભરી રહ્યું છે. સુરતમાં રોડ (એક્સપ્રેસ હાઈવે) બુલેટ ટ્રેન, મેટ્રો અને પોર્ટ જેવી કન્ટેટીવીટી પણ મળી શકે છે. પાલિકાના બજેટમાં પણ આ અંગે જોગવાઈ કરવામાં આવી હતી અને તે માટે ફીજીબૂીલીટી રિપોર્ટ પણ ચકાસણી કરવા જોગવાઈ કરવામાં આવી છે. સુરતની તાપી નદીમાં વોટર મેટ્રોનો પ્રોજેક્ટ શક્ય છે કે નહીં તેની ફીજીબીલીટીની ચકાસણી માટે કોચી વોટર મેટ્રોની ટીમે સુરત આવવા માટે તૈયારી બતાવી છે. આ ઉપરાંત દિવાળી પછી સુરત પાલિકાની ટીમ પણ કોચી વોટર મેટ્રોના અભ્યાસ માટે કોચી જશે. વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ટેકનિકલ, નાણાકીય સહાય માટે એએફડીએ મૌખિક સંમતિ આપી છે જોકે, સુરત પાલિકા હવે લેખિત સંમતિ માંગવામા આવશે. કમિશનરે વધુમાં જણાવ્યું કે, કોચીમાં ઉપયોગમાં લેવાતી વોટર મેટ્રો પ્રોજેક્ટ માટેની તમામ બોટ ઈલેક્ટ્રીક છે. તેથી પર્યાવરણની દ્રષ્ટીઍ પણ ખૂબ ફાયદો થઈ શકે છે.