વડોદરા,વિદેશી દારૃ ભરેલી જીપને પાયલોટિંગ કરીને વડોદરામાં લાવતા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા. ઉલ્લેખનીય છે કે, એક સમયે નામચીન બૂટલેગરની ત્યાં નોકરી કરતા આરોપીએ હવે જાતે જ દારૃનો ધંધો શરૃ કરી દીધો છે. પોલીસે આરોપીના રિમાન્ડ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર પોલીસનો સ્ટાફે મળેલી માહિતીના આધારે હેલમેટના બોક્સની આડમાં વિદેશી દારૃ લઇને આવતી જીપને માંજલપુર તુલસીધામ ચાર રસ્તા નજીક ઝડપી પાડી હતી. જીપની આગળ અને પાછળ પાયલોટિંગ કરતા બે આરોપીઓને પણ પોલીસે પકડી લીધા હતા. પોલીસે જીપમાં ચેકિંગ કરતા વિદેશી દારૃની અલગ – અલગ બ્રાન્ડની બોટલો નંગ – ૧,૨૨૪ કિંમત રૃપિયા ૪.૨૦ લાખની કબજે કરી છે. જ્યારે ત્રણ વાહનો, મોબાઇલ ફોન અને હેલમેટ મળીને કુલ રૃપિયા૧૦.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દારૃની હેરાફેરીમાં સંડોવાયેલા (૧) નરેશ ઉદારામ ચૌધરી ( રહે. ગામ રામપુરા થાના,જિ.સાંચોર, રાજસ્થાન) (૨) પરેશ જીતેન્દ્રભાઇ પટેલ (રહે. હિંમત નગર સોસાયટી, તરસાલી બાયપાસ પાસે, તરસાલી) તથા (૩) મુકેશ નારાયણદાસ માખીજા ( રહે. મંગલા માળવેડ સોસાયટી, તરસાલી)ને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં પકડાયેલા આરોપી મુકેશ માખીજા અગાઉ એક બૂટલેગરની ત્યાં નોકરી કરતો હતો. પરંતુ, બૂટલેગર હાલમાં શાંત થઇ જતા તેણે જાતે જ દારૃનો ધંધો શરૃ કરી દીધો છે. મુકેશ સામે અગાઉ દારૃના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે. દારૃના ધંધા માટે મુકેશને નાણાંકીય મદદ કોણ કરતું હતું ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.