જાસ્મિન પાઓલિનીની શાનદાર રમતની મદદથી ઇટાલીએ સ્લોવાકિયાના 2-0થી હરાવીને પાંચમી વખત બિલી જિન કિંગ કપ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું હતું. વિશ્વની ચોથી ક્રમાંકિત પાઓલિનીએ બીજી સિંગલ્સ મેચમાં રિબેક્કા શ્રામકોવાને 6-2, 6-1થી પરાજય આપ્યો હતો. આ પહેલાં લ્યૂસિયા બ્રોન્ઝેટીએ વિક્ટોરિયા હુન્ચાકોવાને 6-2, 6-4થી હરાવી હતી.
ત્યારબાદ ડબલ્સ મુકાબલાની જરૂર પડી નહોતી. ઇટાલી ગયા વર્ષે કેનેડા સામે ફાઇનલ હારીને રનર્સ-અપ બન્યું હતું. પરંતુ આ વખતે 2013 બાદ પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. પાઓલિનીએ વર્તમાન સિઝનમાં શાનદાર દેખાવ કર્યું છે. તે રોલેન્ડ ગરોસ ખાતેના ફ્રેન્ચ ઓપન તથા ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતેના વિમ્બલ્ડનમાં રનર્સ-અપ બની હતી.