બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં આર અશ્વિનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેને મેન ઓફ ધ સિરીઝ પણ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ આર અશ્વિન હવે 38 વર્ષનો છે. આ કારણે ટીમ ઈન્ડિયાએ હવે તેના રિપ્લેસમેન્ટની શોધ શરૂ કરવી પડશે. હવે એક ખેલાડીએ આર અશ્વિનના સ્થાને તેના નામનો દાવો કર્યો છે. આ ખેલાડીનું નામ તનુષ કોટિયન છે.
તનુષ કોટિયને બેટિંગમાં કર્યો કમાલ
તનુષ કોટિયન મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. તેણે ઈરાની કપ 2024ની બીજી ઈનિંગમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે મજબૂત સદી ફટકારી હતી. તેની ઇનિંગ્સના આધારે મુંબઈની ટીમ પણ આ મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. મુંબઈની ટીમે તેનો બીજો દાવ આઠ વિકેટના નુકસાને 329 રન પર ડિકલેર કર્યો હતો. તેણે બીજી ઇનિંગમાં 150 બોલમાં 114 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 10 ફોર અને એક સિક્સર ફટકારી હતી. તેણે પ્રથમ દાવમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 124 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર ફટકારી હતી.
બોલિંગમાં પણ બતાવી તાકાત
એક મજબૂત બેટ્સમેન હોવા ઉપરાંત તનુષ એક સારો ઓફ સ્પિનર પણ છે. તેણે ઈરાની ટ્રોફી મેચમાં પણ પોતાની બોલિંગથી પ્રભાવ પાડ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે સાઈ સુદર્શન, પ્રસિદ્ધ કૃષ્ણ અને મુકેશ કુમારની વિકેટ લીધી હતી. આ સિવાય તેણે ગયા વર્ષે રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં સદી ફટકારી હતી. જે બાદ મુંબઈની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. તેણે સેમિફાઇનલ મેચમાં પણ 89 રન બનાવ્યા હતા.
ફર્સ્ટ ક્લાસમાં તનુષ કોટિયનની કારકિર્દી
તનુષ કોટિયને ફર્સ્ટ ક્લાસમાં 30 મેચની 42 ઈનિંગમાં 45.34ની સરેરાશથી 1451 રન બનાવ્યા છે. જેમાં 13 ફિફ્ટી અને 2 સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે 88 બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવ્યા છે.