પૃથ્વી શો ફોર્મમાં પરત ફર્યો છે. શોનું બેટ એવા સમયે ગર્જ્યું જ્યારે તેની ટીમ ઓપનિંગ બેટ્સમેન પાસેથી આવી જ વિસ્ફોટક ઈનિંગની અપેક્ષા રાખી રહી હતી. સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિદર્ભ સામે શોના બેટએ જોરદાર પ્રદર્શન કર્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા વિદર્ભે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે પૃથ્વી શોએ મુંબઈને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. શો આ સિઝનમાં પ્રથમ દાવમાં ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેને વિદર્ભના બોલરોને હેરાન કર્યા.
ફોર્મમાં પરત ફર્યો પૃથ્વી શો
222 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈને પૃથ્વી શો અને અજિંક્ય રહાણેએ શાનદાર શરૂઆત આપી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 6.6 ઓવરમાં 83 રનની ભાગીદારી કરી હતી. શો તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો અને તેને માત્ર 26 બોલનો સામનો કરીને 49 રનની ઝડપી ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન, શો 188ના સ્ટ્રાઈક રેટથી રમ્યો હતો અને તેને 5 ચોગ્ગા અને ચાર ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. શો શાનદાર ફોર્મમાં દેખાયો હતો અને તેને માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. રહાણે પણ બીજા છેડેથી સારા ફોર્મમાં દેખાયો હતો અને તેને માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ હતો પૃથ્વી શો
પૃથ્વી શો લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ હતો. સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં પણ અત્યાર સુધી રમાયેલી છ મેચોમાં શોનું બેટ ખાસ પ્રદર્શન કરી શક્યું નથી. સારી શરૂઆત છતાં શો મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ મોટી મેચમાં શોનું શાનદાર પ્રદર્શન મુંબઈની ટીમ માટે રાહતના સમાચાર છે. શોની હાલમાં ભારે ટીકા થઈ રહી છે. વધતા વજન અને ખરાબ ફિટનેસને કારણે શોની કારકિર્દીનો ગ્રાફ સતત નીચેની તરફ જઈ રહ્યો છે. ઓપનિંગ બેટ્સમેને વર્ષ 2021માં ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.