દસાડાના વિવિધ વિસ્તારોમાં ઝુંપડામા કે કાચા મકાનો બનાવી રહેતા પરિવારોને ઘરનું ઘર મળે તે માટે પ્લોટ કે મકાન સહાય આપવા લેખીત રજૂઆત ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહિત ઉચ્ચકક્ષાએ કરાઈ છે.
સરકાર દ્વારા ઝુંપડપટ્ટીઓમાં વસતા અને કાચા ઘરોમાં રહેતા પરીવારોને ઘરનું ઘર મળે તે માટે પીએમ આવાસ યોજના અમલમાં છે. જેમાં આવા પરીવારોને પ્લોટ ફાળવવામાં આવે છે, મકાન બનાવવા સહાય અપાઈ છે. આ ઉપરાંત પીએમ આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનો પણ ફાળવાય છે. ત્યારે દસાડાના વીવીધ વિસ્તારોમાં રહેતા આવા પરીવારોને ઘરનું ઘર મળે તે માટે લેખીત રજૂઆત કરાઈ છે. સુરેન્દ્રનગરમાં રહેતા અમૃતભાઈ મકવાણાએ આવા પરિવારોને સાથે રાખી દસાડા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધીકારી અને જિલ્લા વિકાસ અધીકારીને કરેલ લેખીત રજૂઆતમાં જણાવાયા મુજબ દસાડા પીએચસી સામે છાપરામાં, બજાણીયાવાસમાં, વાડી વિસ્તારમાં, ટાંકીચોક વિસ્તારમાં 30થી વધુ પરીવારો ઝુંપડામાં કે કાચા મકાનો બનાવીને રહે છે. આ પરીવારોને તાકીદે સરકારની યોજના મુજબ ઘરનું ઘર મળે તેવી કાર્યવાહી હાથ ધરવા માંગણી કરાઈ છે.