સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આગામી સમયગાળામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સાથે સાથે લાંબા સમયથી મુદત પુરી થયેલ જિલ્લાની થાન નગરપાલિકાની પણ ચૂંટણી થનાર છે. આવા સમયે રાજય ચૂંટણી આયોગ દ્વારા 27 ટકા ઓબીસી અનામત મુજબ થાન પાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની અનામતની ફાળવણી જાહેર કરી છે.
રાજયમાં લાંબા સમય બાદ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. જિલ્લાની 45થી વધુ ગ્રામ પંચાયતોમાં તો છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે. તેની સાથે સાથે જિલ્લાની થાન નગરપાલિકાની પણ લાંબા સમયથી મુદત પુરી થઈ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને લીંબડી નગરપાલિકામાં ખાલી પડેલ બેઠકોની પણ ચૂંટણી થનાર છે. ત્યારે ચૂંટણી વિભાગ પણ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓના આગોતરા આયોજનમાં વ્યસ્ત થયુ છે. તાજેતરમાં જ રાજયના ચૂંટણી આયોગના સચીવ જી.સી.બ્રહ્મભટ્ટ દ્વારા થાન નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની અનામતની ફાળવણી જાહેર કરી છે. જેમાં 28માંથી 14 બેઠકો સ્ત્રી અનામત રહેશે. આ 14 બેઠકોમાંથી 7 પર સામાન્ય, 4 ઉપર પછાત વર્ગ અને 3 ઉપર અનુસૂચિત જાતિની મહિલાઓ જ ચૂંટણી લડી શકશે. જયારે બાકીની 14 બેઠકોમાંથી પણ પછાત વર્ગ માટે 4 અને અનુસૂચિત જાતિ માટે 2 એમ 6 બેઠકો અનામત રખાઈ છે.
આથી કુલ 28 બેઠકોમાંથી સામાન્ય બેઠકો માત્ર 8 જ રહી છે. થાન નગરપાલિકાની 28 બેઠકોની અનામત ફાળવણી જાહેર થતા ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે.
થાન પાલિકાના આગામી પ્રમુખ જનરલ ઉમેદવાર બનશે
27 ટકા ઓબીસી અનામત બાદ બેઠકોની ફાળવણીની સાથે સાથે પ્રમુખના રોસ્ટરમાં પણ ફેરફાર થયા છે. જેમાં થાન નગરપાલિકાના આગામી 10 રોસ્ટર જાહેર થયા છે. જેમાં આગામી પ્રમુખ તરીકે જનરલ ઉમેદવાર બેસશે. ત્યારબાદ મહિલા, પછાત વર્ગની મહિલા, અનુસૂચિત જાતિ, મહિલા, પછાત વર્ગ, અનુસૂચિત જાતિ મહિલા, જનરલ, મહિલા અને પછાતવર્ગ એમ રોસ્ટર જાહેર થયા છે.