વઢવાણમાં આવેલ ઘરશાળા ખાતે સ્વ. અરવિંદભાઈ આચાર્યના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરાઈ હતી. જેમાં ઘરશાળા સ્થિત વિનયમંદિર શાળાના નવીનીકરણની ટહેલ નંખાતા અડધી કલાકમાં જ રૂ. 23 લાખના દાનની જાહેરાત થઈ હતી. આ પ્રસંગે ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન અને પુસ્તક વિમોચન પણ કરાયુ હતુ.
ઝાલાવાડના પનોતા પુત્ર અરવિંદભાઈ આચાર્યનો જન્મ તા. 1-12-1923 અને અવસાન તા. 22-8-2013ના રોજ થયુ હતુ. તેઓએ કોલેજમાં અભ્યાસ સમયે જ આઝાદીની ચળવળમાં ભાગ લેવાનું શરૂ કર્યુ હતુ. તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ અને વર્ષ 1980થી 1990 દરમિયાન વઢવાણના ધારાસભ્ય રહી ચૂકયા હતા. ત્યારે અરવિંદભાઈ આચાર્યના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીનું આયોજન વઢવાણ ઘરશાળા પરિવાર અને શ્રામીક સેવા ટ્રસ્ટ દ્વારા ઘરશાળા ખાતે કરાયુ હતુ. આ તકે ભુપેન્દ્રભાઈ દવે લિખિત પુસ્તક સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસ સ્થળોનું વિમોચન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ સહિતનાઓના હસ્તે કરાયુ હતુ. ઘરશાળા કેમ્પમાં આવેલ વિનય મંદિર શાળાની નવી ઈમારત માટે દાનની ટહેલ નંખાતા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ રૂ. 10 લાખની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સ્વ. નરેશચંદ્રના પરીવાર દ્વારા રૂ. 5 લાખ, ડો. ડી.કે.વાઢેર, મોહનભાઈ પટેલ, ભુતપૂર્વ વિદ્યાર્થી અને વિધાનસભાના અગ્રસચીવ ટી.કે.ડોરીયા, જાગૃતીબેન શાહ, પન્નાબેન શુકલ દ્વારા રૂ. 1-1 લાખ, બી.ડી.વાઘેલા અને મેરૂભાઈ ખાચર દ્વારા રૂ. 50 હજાર મળી કાર્યક્રમ દરમિયાન જ રૂ. 23 લાખનું દાન એકત્રિત થયુ હતુ. સમગ્ર આયોજનને સફળ બનાવવા તૃપ્તીબેન આચાર્ય સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.