તા.૧૪-૧૫/૦૧/૨૦૨૫ના રોજ ઉત્તરાયણ અને વાસી-ઉત્તરાયણ તહેવારની ઉજવણી માટે અગાઉથી પતંગ તથા દોરીના વેચાણ બાબતે તેમજ ધાબા, અગાસીઓ, ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. આ દિવસોમાં લોકો, પશુ-પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
કાયદેસરની કરાશે કાર્યવાહી
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, નવી દિલ્હી અને હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલા હુકમ અન્વયે ચાઈનીઝ માંઝા/ પ્લાસ્ટિક દોરી/ glass coated nylon thread/ ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ)ના ઉત્પાદન સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વિરુદ્ધ The Environment (protection) Act-૧૯૮૬, The Prevention of cruelty of animal Act-૧૯૬૦, The wildlife (protection) Act-૧૯૭૨ અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભયજનક ધાબા પર નહી ઉડાવાય પતંગ
પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટિક માંઝા, સિન્થેટિક પદાર્થની કોટિંગ કરેલી હોય અને નોન-બાયોડિગ્રેબલ હોય તેવી દોરી/ ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મકાન/ ફ્લેટના ધાબા/ અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહિશ સિવાયની કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફ્લેટ/ રહેણાંક સંબંધિત કોઈપણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી/ ફ્લેટના સેક્રેટરી/ અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુદ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો/ સ્લોગન/ ચિત્રો પતંગ પર લખી શકશે નહીં. કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ/ રસ્તા/ ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડશે નહીં.
જાહેરનામાનો નહી કરાય ભંગ
સામાન્ય લોકોને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા નહીં. જાહેર માર્ગો પર કોઈપણ વ્યક્તિ/ સંસ્થાઓ દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા તથા આમ જનતા દ્વારા ઘાસચારો ખરીદીને જાહેર રસ્તા પર ગાયો/ પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધો ઊભા કરવા પર પ્રતિબંધ છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરીઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાસની લાંબી લાકડીઓ, લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવીને શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ પર દોડાદોડી કરવા તેમજ ટેલીફોન કે ઇલેક્ટ્રીકના તાર પર લોખંડ કે કોઈપણ ધાતુના તાર, લંગર (દોરી) વડે ફસાયેલી દોરી કે પતંગ કાઢવા પર પ્રતિબંધ છે.આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા માટે તા.૧૦/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામનો ભંગ, મદદગારી બદલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.