ઝાલાવાડમાં દિવાળીના તહેવારોમાં અકસ્માતોની જાણે વણઝાર લાગી હોય તેમ અકસ્માતના છ બનાવ બન્યા છે. જેમાં ચૂડામાં 2 બાઈક સામ-સામે અથડાતા હોમગાર્ડ જવાન સહિત બે વ્યક્તિના મોત થયા છે. જયારે સુરેન્દ્રનગરથી માંડલ અને લીંબડીથી ચોટીલા જતા પદયાત્રીઓને વાહને અડફેટે લેતા બે વ્યક્તિના મોત થયા છે.
ચૂડાના જીન પાસે તા. 5મીએ બપોરે પસાર થતા 2 બાઈક વચ્ચે સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હોમગાર્ડ યુનીટમાં ફરજ બજાવતા જનકભાઈ ખીમજીભાઈ પરમાર અને મહેશભાઈ ભરતભાઈ મકવાણાનું મોત થતા મૃતદેહને પીએમ માટે ચૂડા લઈ જવાયા હતા. અકસ્માતમાં બેંકમાં ફરજ બજાવતા જય પટેલને ઈજા થતા પ્રથમ લીંબડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરાયા છે. જયારે વઢવાણના કટુડા ગામે રહેતા ચમનભાઈ તેજાભાઈ સુમેરા અને તેમના ભાઈ મુકેશભાઈ સુમેરા બાઈક લઈને તા. 3જીએ સવારે ધ્રાંગધ્રાના રામપરા ગામે લૌકિકક્રિયાએ ગયા હતા. જયાંથી બપોરે બન્ને કટુડા પરત આવતા હતા. ત્યારે કાત્રોડી ગામના રસ્તે ચમનભાઈ લઘુશંકા કરવા ઉભા રહ્યા હતા. જયારે મુકેશભાઈ બાઈક પાસે જ ઉભા હતા. આ સમયે એક અજાણી પીકઅપ કારના ચાલકે મુકેશભાઈને અડફેટે લઈ માથામાં ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યુ હતુ. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા બોલેરો પીકઅપના ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ મુળ સુરેન્દ્રનગરની વર્ધમાન કોલોનીમાં રહેતા રીટાબેન રમેશભાઈ ભડાણીયા હાલ રાજકોટ રહે છે. તેઓને પાટડી શકિત માતાના મઢે ચાલીને જવાની બાધા હોઈ તા. 2જીએ પરિવારના 20થી 25 સભ્યો સુરેન્દ્રનગરથી પાટડી ચાલીને જતા હતા. ત્યારે લખતરના મોઢવાણા પાસે પાછળથી એક કારના ચાલકે ટક્કર મારતા રીટાબેન, તેમની દિકરી સીધ્ધીબેન, મેહુલભાઈ શંભુભાઈને ઈજા પહોંચી હતી. જેમાં તેઓને દવાખાને લઈ જવાતા મેહુલભાઈને માથામાં ગંભીર ઈજા થતા મોત થયુ હતુ. બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત લીંબડીમાં રહેતા 30 વર્ષીય રાજુભાઈ કાળુભાઈ ચાવડા સહિતનાઓ તા. 5મીએ સવારે માનતા પુરી કરવા લીંબડીથી પગપાળા ચોટીલા જતા હતા. ત્યારે અજાણ્યા વાહને નેશનલ હાઈવે પર ફુલગ્રામ પાસે રાજુભાઈ ચાવડાને અડફેટે લઈ મોત નીપજાવ્યુ હતુ. આ બનાવમાં ભુમીબેન ચેતનભાઈને ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. અને મુળી તાલુકાના દીગસર ગામે રહેતો જયદીપ વિજયભાઈ માલકીયા તા. 1લીએ બાઈક લઈને દીગસરથી મુળી તરફ જતો હતો. ત્યારે કુકડા-જશાપર રોડ પર ગોબરગેસના પ્લાન્ટ પાસે પહોંચતા એક ટ્રેકટરને ઓવરટેક કરવા જતા ટ્રેકટર ચાલકે ગફલતભરી રીતે ચલાવતા ટ્રેકટરની પાછળ લગાવેલ દાતીમાં બાઈક ફસાયુ હતુ અને જયદીપભાઈને માથામાં ઈજા પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે મુળી સરકારી દવાખાને લઈ જવાતા મોત થયુ હતુ. બનાવની મૃતકના કાકા વિક્રમભાઈ માલકીયાએ મુળી પોલીસ મથકે ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. તથા લખતરના વણકરવાસમાં રહેતા જયરાજ ઉર્ફે સાગર દીલીપભાઈ પરમાર રિક્ષા ચલાવે છે. ગત તા. 29મીએ સાંજે તેઓ રિક્ષા લઈને મિત્રો વિપુલ અરજણભાઈ પરમાર અને અનીલ મહેન્દ્રભાઈ સાથે સુરેન્દ્રનગર ખરીદી કરવા ગયા હતા. જયાંથી રાતના સમયે પરત ફરતા હતા. આ સમયે રિક્ષા જયરાજભાઈ ચલાવતા હતા. ત્યારે રિક્ષા સુરેન્દ્રનગર-લખતર રોડ પર ઝમર પાસે પહોંચતા સામેથી એક ઈકો કારના ચાલકે રોંગ સાઈડમાં આવી અકસ્માત સર્જયો હતો. જેમાં રિક્ષા પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર જયરાજભાઈ, વિપુલભાઈ અને અનીલભાઈ ત્રણેયને ઈજા થતા દવાખાને લઈ જવાયા હતા. બનાવની અજાણ્યા ઈકો કારના ચાલક સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
જયારે અમદાવાદના વેજલપુરમાં રહેતો પરીવાર 2 કાર લઈને માંડલ ખંભલાય માતાજીના દર્શન કરવા તા. 2જીએ આવ્યો હતો. જયાંથી તેઓ પરત ફરતા સમયે દસાડાના ફુલકી ગામ પાસે કારમાં હવા ઓછી જણાતા પંચરની દુકાને ઉભા રહ્યા હતા. આ સમયે એક કારના ચાલકે રીવર્સ લેતા સમયે તેઓની કાર સાથે અકસ્માત કર્યો હતો. જેમાં નુકશાનના પૈસા માંગતા ત્રણ શખ્સોએ ઝપાઝપી કરી, ઝઘડો કરી મહિલા સાથે ગેરવર્તાવ કરી ધમકી આપી હતી. બનાવની પાટડી પોલીસ મથકે 3 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.