સુરતમાં યુવકની હત્યા મુદ્દે પાંડેસરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીઓને કાયદાનું ભાન આવતા જાહેરમાં માફી માંગી. આરોપીઓએ અંગત અદાવતમાં યુવકની હત્યા કરી હતી.
પોલીસે હત્યાના સ્થળ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું
વડોદ હેલ્થ સેન્ટર નજીક ચાર દિવસ અગાઉ હસી મજાકમાં થયેલા ઝઘડાની અદાવતમાં બે મિત્રો પર હુમલો કરીને એકને કાતરના ઉપરાછાપરી સાતથી આઠ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઈ હતી. પોલીસે હત્યાના બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસે હત્યાની જગ્યા પર બન્ને આરોપીઓને લઇ જઈ સરઘસ કાઢ્યું હતું.
આરોપીઓએ અચાનક દીપક પર જીવલેણ હુમલો કર્યો
વડોદ આવાસ સ્થિત સરકારી સ્કૂલની બાજુમાં બિલ્ડીંગ નં. 22માં રહેતો દીપક રવિન્દ્ર સાવ (ઉ.વ. 26, મૂળ રહે. સૈદપુરધાવા, જી. અરવલ, બિહાર) તેના મિત્ર દીપકસિંહ ઉર્ફે બાટલા સાથે ઘર નજીક વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં બેઠો હતો. ત્યારે સ્થાનિક વિસ્તારના માથાભારે મનિષ ઉર્ફે કલ્લુ દેવીચરણ પ્રજાપતિ (ઉ.વ. 20, રહે. પરસોત્તમનગર, વડોદ અને મૂળ. કાનપુર, યુ.પી.) અને કૃષ્ણા ઉર્ફે લંબુ શિવરામ તિવારી (ઉ.વ. 19, રહે. સુર્યપ્રકાશ નગર, પાંડેસરા અને મૂળ. રીવા, મધ્યપ્રદેશ) અચાનક ત્યાં પહોંચી ગયા અને દીપક પર જીવલેણ હુમલો કર્યો હતો.
8 છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
મનીષે કાતર વડે દીપકના મોંઢા, ગળા, છાતી અને પીઠના ભાગે 8 ઘા ઝીંક્યા, જ્યારે દીપકસિંહને માત્ર ઢીકમુક્કાનો જ માર માર્યો. લોહીલુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે આરોપીને સ્થળે લઈ જઈ સરઘસ કાઢ્યું
મનીષ અને દીપક વચ્ચે ચાર દિવસ પહેલા હસી મજાકમાં ઝઘડો થયો હતો. જેમાં દીપકના હાથના કડાથી મનીષના માથામાં વાગતા આ અદાવતનું રૂપ ધારણ થયું હતું. પાંડેસરા પોલીસે તાત્કાલિક પગલાં લઇ બંને આરોપીને ઝડપી પાડ્યા અને ઘટનાસ્થળે લઇ જઈ સરઘસ કાઢ્યું હતું. બન્ને આરોપી આ વિસ્તારમાં માથાભારે ઈસમ તરીકે છબી ધરાવે છે.