દેશમાં વધુ એક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રાજ્યના સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જો કે આ ધમકી મળતા જ સુરત શહેર અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ અને ધમકી આપનારા વ્યક્તિને ધરપકડ કરી લીધી છે.
સુરત શહેર અને ગ્રામ્ય પોલીસનું સંયુક્ત ઓપરેશન, આરોપીની કરી ધરપકડ
સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર પકડાઈ ગયો છે. આરોપી સાબિર બસીર મન્સૂરીની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આરોપીને ઝડપી લીધો છે. આરોપી બારડોલીના મદીના કોમ્પ્લેક્ષનો રહેવાસી છે. ત્યારે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં લઈને એરપોર્ટ ઓથોરિટીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને સુરત એરપોર્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. CISF અને સુરત શહેર પોલીસે તપાસ કરી છે. એરપોર્ટ પર આવતા મુસાફરો અને વાહન ચાલકોના વ્હીકલની પણ તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય તપાસ કર્યા બાદ જ એરપોર્ટમાં જવા માટે પરવાનગી આપવામાં આવે છે.
સુરત પોલીસની સ્પેશ્યિલ ડ્રાઈવ, 200થી વધુ વાહનો કર્યા ડિટેઈન
બીજી તરફ સુરત પોલીસે આજથી સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરી છે. ફોગલાઈટ, મોડીફાઈડ લાઈટવાળા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટર લાઇટવાળા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવશે. આવા 200થી વધુ વાહનોને પોલીસે ડિટેઈન પણ કર્યા છે. વાહનોમાંથી ત્રણેય પ્રકારની લાઈટો દૂર કરાઈ છે. વધુ પડતા પ્રકાશથી અકસ્માતનો ભય રહે છે. અગાઉ પણ પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી હતી.