ભરીમાતા રોડ સ્થિત સુમન મંગલ આવાસમાં ઘરકામ કરવાનો ઇનકાર કરતી 17 વર્ષીય સગીર પુત્રીને પિતાએ માથામાં કૂકર મારી દીધું હતું. ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયેલી આ સગીરાનું મધરાત્રે બે વાગ્યે મોત નીપજતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે 39 વર્ષીય ગીતાબેન મૂકેશ પરમાર (રહે. સુમન મંગલ આવાસ, ભરીમાતા રોડ) પતિ મૂકેશ પરમાર (ઉં.વ. 40) અને ચાર સંતાનો સાથે રહે છે. ગીતાબેન પોતે એક મોલમાં નોકરી કરે છે. ગુરુવારે સવારે પોતે તથા મોટી પુત્રી નોકરીએ ગઇ હતી. રિક્ષા ચલાવતા પતિ મૂકેશ બીમાર હોવાને કારણે ઘરે જ આરામ કરતો હતો. ઘરમાં 17 વર્ષીય સગીર પુત્રી હેતાલી તથા નાનો પુત્ર હતો. પોતે નોકરીએ જતી વખતે હેતાલીને ઘરમાં વાંસણ અને કપડાં ધોઇ નાંખવાની સૂચના આપતી ગઇ હતી. બપોરે સવા એક વાગ્યાના અરસામાં પિતાએ ઘરકામ પૂર્ણ કરવા માટે ટકોર કરી હતી. જેને લઇને પિતા-પુત્રી વચ્ચે ઝઘડો થતાં પિતાએ ઘરમાં પડેલું કૂકર પુત્રીને કપાળ પર જોરથી ફટકારી દેતાં તે ત્યાં જ ફસડાઇ પડી હતી. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ આ સગીરાએ શુક્રવારે મધરાત્રે બે વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.