ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ખાણી પીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈને તબીબો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યાં છે. ત્યારે આ બધામાં બાકી હોય તેમ સુરતમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતો સિમેન્ટનો જથ્થો પણ ડુપ્લિકેટ પકડાઈ ગયો છે. જેથી કોના પણ અસલીના નામે ભરોસો કરવો તેને લઈને લોકોમાં સવાલો ઉભા થયા છે.
સુરતના ખટોદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હતુ.જેથી કંપનીના અધિકારીઓને મળેલી બાતમીન આધારે ખટોદરા પોલીસની ટીમે સાથે મળીને રેડ કરી હતી. જેમાં 410 જેટલી થેલીઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ
- 410 થેલી ડુપ્લીકેટ સિમેન્ટ ઝડપાયો
- બ્રાન્ડેડના નામે હલકી કક્ષાના સિમેન્ટનું વેચાણ
- નકલી સિમેન્ટ વેચનાર બે સામે ગુનો દાખલ
- 1.43 લાખનો હલકી કક્ષાનો સિમેન્ટ જપ્ત
બ્રાન્ડેડ કંપનીના નામે થતું વેચાણ
ખટોદરા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં સિમેન્ટ વેચનાર બેને ઝડપી લેવામાં આવ્યાં હતાં. આ બન્ને પાસેથી 1.43 લાખની હલકી કક્ષાની ગુણવતાની સિમેન્ટનો જથ્થો મળી આવ્યો હતો. કંપનીના નામ વાળી થેલીમાં સિમેન્ટનો જથ્થો ભરવામાં આવ્યો હતો. જેથી હાલ પોલીસે 410 થેલી સિમેન્ટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.