ક્રિસમસ ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. શાંતિ, પ્રેમ,આનંદ અને એકતાનું પર્વ નાતાલની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સુરતની કોલેજોમાં ધામધૂમથી ક્રિસમસના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
ખુશી અને ઉત્સાહનો પ્રતીક ક્રિસમસ ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર છે. ખ્રિસ્તી સમુદાય તહેવાર ૨૫ ડિસેમ્બરના રોજ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસના રૂપમાં ઉજવે છે. રંગબેરંગી રીતે શણગારાયેલા ચર્ચમાં ખ્રીસ્તી ધર્મના અનુયાયીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને પ્રાર્થના કરીને એકબીજાને ઈસુના જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
સુરત સહિત વિશ્વના વિવિધ દેશોમાં 25 ડિસેમ્બરથી એક સપ્તાહ સુધી ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં વસતાં ખ્રિસ્તી બીરાદરો પણ બુધવારે સવારે ચર્ચ ખાતે જઈને પ્રાર્થના કરી હતી.શહેરમાં ઘણા બધા ચર્ચ હોવા છતાં પણ મુખ્ય ઉજવણી ચોકબજાર સ્થિત સીએેનઆઈ ચર્ચ તથા નાનપુરા ખાતે આવેલા કેથોલિક ચર્ચમાં સવારથી મોટી સંખ્યામાં બિરાદરીના લોકો ઉમટી પડ્યાં હતાં.
ચર્ચના રેગન ઉદય પાદરૂએ જણાવ્યું હતું કે, પ્રભુ ઈસુ તેમના જીવન દ્વારા ઉપદેશ આપે છે કે આપણે હંમેશાં એકબીજાપ્રત્યે પરસ્પર કરુણા, દયા સાથે જીવીએ. પ્રભુએ પ્રેમનો સંદેશો આપ્યો છે અને કહ્યું છે કે હંમેશાં તમે બીજાને માફી આપો. નાતાલ પ્રેમનું પર્વ છે. જે એકબીજાને જોડે છે. એકબીજાને આપણે સ્વીકારી શકીએ છીએ. એકબીજાને માફ કરી શકીએ. નાતાલ શાંતિ, પ્રેમ, આનંદ, એકતાનું પર્વ છે.