સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સચિન કપલેથાથી ઝડપી પાડવામાં આવેલા રૂપિયા 55 લાખથી વધુના એમડી ડ્રગ્સ કેસ મામલે મોટી સફળતા મળી છે. એમડી ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલાસોપારાથી નાઈજિરિયન યુવક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નાઈજીરિયન યુવક ડેવિડની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછ બાદ અજય ઠાકુરની ધરપકડ
તમને જણાવી દઈએ કે 16મી નવેમ્બરના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હોન્ડા સિટી કાર સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે ટોસિફ, ઈરફાન સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આરોપીઓની પૂછપરછમાં નાલાસોપારાથી અજય ઠાકુર પાસેથી ડ્રગ્સ લાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે અજય ઠાકુરની ધરપકડ બાદ નાઈજિરિયન યુવક ડેવિડ નામના શખ્સને ઝડપી પાડયો હતો.
આરોપી ડેવિડની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાશે
મુંબઈના નાલાસોપારા ખાતે આવેલા નાઈજિરિયન લોકોના વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. અજય ઠાકુર નાઈજિરિયન યુવક પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો અને જે ડ્રગ્સ સુરતના વેપારીઓને વેચાણ કર્યું હતું. ડેવિડને મુંબઈ પોલીસ દ્વારા વર્ષ 2015માં પણ ફ્રોડ કેસમાં ઝડપી લેવામાં આવ્યો હતો. નાઈજિરિયન આરોપી ડેવિડ હિન્દી ફિલ્મમાં કેમેરામેન તરીકે નોકરી પણ કરી ચૂક્યો છે. ત્યારે હાલમાં આરોપી ડેવિડની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને આ સાથે જ આરોપી ડેવિડના વિઝા અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.