સુરત શહેરમાં નવરાત્રિ દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી ભપકાદાર આયોજન નો ક્રેઝ વધી રહ્યો છે તેની વચ્ચે સુરતમાં નવરાત્રિ ના મોટા આયોજન વચ્ચે શેરી ગરબા કલ્ચર અકબંધ જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક સોસાયટી ના લોકો પોતાના ઘર આંગણે એક બીજા સાથે મળી ગરબે ઘૂમી રહ્યાં છે. આવા આયોજન માટે મોટા ભાગની રહેણાંક સોસાયટીઓ ના લોકોનું એવું માનવું છે કે સોસાયટીઓ-શેરીમાં ગરબાના કારણે મહિલાઓ વધુ સલામત છે અને સોસાયટીમાં એકતાનો માહોલ વધે છે અને લોકોના પૈસાની પણ બચત થાય છે.
સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિના મોટા આયોજન થઈ રહ્યું છે આયોજકો એસી ડોમ અને અનેક જાજરમાન જગ્યાએ નવરાત્રિનું આયોજન કરે છે. પરંતુ આવા મોટા આયોજન સામે હજી પણ શહેરની અનેક રહેણાંક સોસાયટીઓ અને શેરીઓમાં પરંપરાગત ગરબાનું આયોજન અડીખમ જોવા મળી રહ્યું છે. સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી શેરી અને રહેણાંક સોસાયટીઓમાં શેરી ગરબાનું આયોજન વધી રહ્યું છે તેનું કારણ ધંધાદારી આયોજનની મોંઘીદાટ ટીકીટો અને પાર્કિંગના તોતીંગ ચાર્જ ઉપરાંત મહિલાઓની સલામતી પણ એક છે.
રહેણાંક સોસાયટી ના અનેક લોકોનું એવું માનવું છે કે દરેક રહેણાંક સોસાયટીઓમાં નવરાત્રિ સહિતના અનેક તહેવારો આયોજનબદ્ધ રીતે થવું જોઈએ અને ઉત્સવ ભારે ઉત્સાહથી મનાવવો જોઈએ. તેનું કારણ પણ તેઓ એવું કહે છે કે, સોસાયટીઓમાં આવા તહેવારનું આયોજન થાય છે ત્યારે સોસાયટીનો લોકોમાં એકતા થાય છે અને વ્યસ્તતાના કારણે એક બીજાને લોકો મળી શકતા નથી તેઓ એક બીજાને મળી અને ઓળખી શકે છે. આ ઉપરાંત સોસાયટીની મહિલાઓ સોસાયટી અને શેરીઓમાં જ ગરબા રમે છે તેથી તેઓ સૌથી સલામત છે. નવરાત્રિનો તહેવાર સોસાયટીના લોકોને એક બીજા સાથે જોડવાનો તહેવાર છે તેથી અનેક સોસાયટીઓ આ તહેવારની ઉજવણી ભવ્ય રીતે કરે છે. તેથી આવા તહેવારની ઉજવણી વધુને વધુ થાય તે માટે આયોજન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.